GUJARATJETPURRAJKOT

Rajkot: “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના આયોજન અંગેની બેઠક યોજાઈ

તા.૮/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ જિલ્લામાં પાંચ રથ મારફતે છેવાડાના માનવી સુધી સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી અપાશે

Rajkot: સાંસદશ્રી રામભાઈ મોકરીયા અને રાજકોટ કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના આયોજન અંગેની બેઠક યોજાઈ હતી.

સમગ્ર દેશમાં ૧૫ નવેમ્બરથી ૨૬ જાન્યુઆરી સુધી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાશે જે અન્વયે તારીખ ૨૨ નવેમ્બર ૨૦૨૩થી રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાંચ રથ મારફતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નો શુભારંભ થશે. આ યાત્રામાં સરકારશ્રીના છેલ્લા દસ વર્ષના વિકાસ કામો અંગે જાણકારી અપાશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરીએ પી.પી.ટી.ના માધ્યમથી “વિકસિત ભારત રથ યાત્રા”ની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે આ રથના સ્થાનિક કક્ષાએ થનારા સ્વાગત દરમ્યાન સરકારની યોજનાનું સાહિત્ય વિતરણ કરાશે., તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓના લભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે બાબતને સુનિશ્ચિત કરવામાં આવશે, વિકસિત યાત્રા અન્વયેની પ્રારંભિક ફિલ્મ પ્રસારિત કર્યા બાદ વડાપ્રધાનશ્રીનો સંદેશ અને સંકલ્પ અંગેનો વિડિયો પ્રસારિત કરાશે. ‘મેરી કહાની મેરી જુબાની”ના લાભાર્થીઓની સાફલ્યગાથાનું પ્રસારણ કરાશે. તેમજ મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપના સભ્યો, શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક કલાકારો દ્વારા “ધરતી કહે પુકાર કે, સ્વચ્છતા ગીતની સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવશે. “વયવંદના સમારંભ” નિમિત્તે સ્થાનિક વડીલ નાગરિકોનું સન્માન કરાશે.

આ યાત્રા દરમ્યાન યોજનાકીય ક્વિઝ, મહિલા લાભાર્થીઓને પ્રમાણપત્ર આપવાની કામગીરી, તેમજ સ્થળ પર જ આરોગ્ય શિબિરો (ટીબી સ્ક્રીનીંગ, આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ એનિમિયા સ્ક્રીનીંગ), પી.એમ. ઉજ્જવલા નવી નોંધણી અને બાયોમેટ્રિક પ્રમાણીકરણ, માય ભારત સ્વયંસેવક નોંધણી અંગેની ખરાઇ કરવામાં આવશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ, ડી.આર.ડી.એ.ના નિયામક શ્રી આર.એસ. ઠુમ્મર, પ્રાંત અધિકારીશ્રી સંદીપ વર્મા, શ્રી જે.એન લીખીયા, શ્રી કે.જી. ચૌધરી, જિલ્લા અન્ન અને પુરવઠા અધિકારી શ્રી રાજેશ્રી વંગવાણી, જિલ્લા આયોજન અધિકારીશ્રી જે. બી.વાઘમસી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મહેશ નાકિયા, આઇ.સી. ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર શ્રી સાવિત્રી નાથજી, મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી અવનીબેન દવે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાઠોડ મામલતદારો અને ચીફ ઓફિસર્સ, સહિત સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button