Surat : મેડિકલ સ્ટુડન્ટે જાતે ઇન્જેક્શન લઈ જીવન ટૂંકાવી લેવાનો પ્રયાસ કર્યો

સુરતની સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વર્ષના રેસિડન્ટ તબીબે આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. રેસિડન્ટ તબીબે મેડિસિન વોર્ડમાં જ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તેને એમઆઈસીયુમાં દાખલ કરી સારવાર શરૂ કરાઈ છે. બીજી તરફ તેની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે
વહેલી સવારે 6.45 કલાકે સુરતની નવી સિવિલ હોસ્પિટલની કોવિડ બિલ્ડિંગના 6-એમાં ફરજ બજાવતા અભિજીત નામના મેડિકલ સ્ટુડન્ટે જીવન ટૂંકાવી લેવાનો પ્રયાસ કર્યો હતો. અભિજીતે પોતાની ફરજ દરમિયાન સિનીયર તબીબોની હાજરીમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અભિજીતે પોતાના હાથમાં પોટેશન ફ્લોરાઈડ નામનું ઈન્જેક્શન મુકી દીધું હતું. સિનીયર ડોક્ટર્સ તથા સિવિલના અન્ય સ્ટાફે તાત્કાલિક અભિજીતને એમઆઈસીયુમાં દાખલ કરી સારવાર શરૂ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર કોવિડ બિલ્ડીંગના 6-A માં આપઘાતનો પ્રયાસ કરનાર તબીબ વિદ્યાર્થી અભિજીત નાયર હોવાનું સામે આવ્યું છે. મેડિસિન વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે.મેડિકલ ઓફિસર ડોક્ટર આરતી એ કહ્યું લગભગ 3-5 ML પ્રવાહી લીધું હોવાની આશકા છે. હાલ અભિજીતની તબિયત સાધારણ છે. આપઘાતના પ્રયાસ પાછળનું કારણ જાણી શકાયું નથી. ઘટના આજે સવારે મેડિસિન વોર્ડમાં જ બની છે. હાલ ઉચ્ચ તબીબ અધિકારીઓને જાણ કરી દેવામાં આવી છે. તપાસ ચાલે છે.










