
તા.૩/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ભરડીયામાં બ્લાસ્ટિંગથી ગામના ઘરમાં તિરાડો અને ખેતીની જમીન બંજર બની ગઈ
Rajkot, jetpur: રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનું એક એવું ગામ કે જે આખું ગામ એક સ્ટોન ક્રશર (ભરડીયા)થી પીડિત છે. ભરડીયામાં નિરંતર બ્લસ્ટિંગને કારણે ગામમાં ભૂકંપ જેવું વાતાવરણ સર્જાય છે અને મોટા ભાગના મકાનો ક્ષતિગ્રસ્ત થઈ ગયેલ છે. ઉપરાંત ભરડીયાના ઊડતી ડસ્ટથી ખેતીની જમીન બંજર બની ગઈ હોવાથી સમગ્ર ગામલોકોએ મામલતદારને આવેદનપત્ર આપી ભરડીયા વિરુદ્ધ બે દિવસમાં જ પગલાં ભરવાની માંગ કરી છે

જાંબુડી ગામના સીમ વિસ્તારમાં આવેલ ભરડીયાને કારણે ગામની મોટા ભાગની ખેતીની જમીન બંજર બની ગઈ હોવાનું ગામના ખેડૂત દિનેશભાઇ પટોડીયાએ જણાવેલ અને વધુમાં જણાવેલ કે, અહીં બે પાક જ લેવામાં આવે છે તેમાં કપાસમાં તો ભરડીયાની ડસ્ટથી કપાસના ફૂલમાં વલ પડી જાય છે જેથી કપાસ કાળો પડી જાય છે અને કાળા કપાસની કોઈ લેવાલી જ ન થાય. ઉપરાંત ખેતીની જમીન પર ભરડીયાની સિમેન્ટ જેવી ડસ્ટ બાજી જવાથી કોઈ પાક જ થતાં નથી. ડસ્ટને કારણે મજૂરો પણ મજૂરીએ આવતા નથી.

જ્યારે ગામની મહિલા સોનલબેને જણાવેલ કે, ભરડીયામાં બ્લાસ્ટિંગથી ગામમાં ભૂકંપ જેવા ધડાકાના અવાજ આવે છે અને સાથે ધૂળનું બવંડર ઉઠે છે અને સમગ્ર ગામ પર જાણે ધુમ્મસ છવાઈ ગયું હોય તેવું વાતાવરણ થઈ જાય છે. અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે કેટલીકવાર તો ઝેરી ગેસ હોય તેવી ગેસ ગળતળ પણ થાય છે. ગામના મોટા ભાગના ઘરોમાં તિરાડો પડી ગઈ છે. પાણીના ભોં ટાંકા તેમજ ગોબર ગેસ પ્લાન્ટ પણ લીકેજ થઈ ગયા છે.

આ અંગે ગામના સરપંચ રજનીભાઇ ગીનોયાએ મામલતદારને રજુઆત કરેલ કે, ભરડીયાને કારણે સમગ્ર જાંબુડી ગામ ત્રસ્ત છે ખેડૂતોની ખેતીની જમીન બંજર બની ગઈ છે અને લોકોના ઘરોમાં તિરાડો પડી ગઈ છે. ઝેરી રજકણોથી શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થાય છે. જેથી આ ભરડીયા વિરુદ્ધ સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવી અમારી માંગ છે. અને અહીં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અમો ગાંધીનગર સુધી જવાની પણ અમારી તૈયારી છે.
આ અંગે આવેદન સ્વીકારનાર નાયબ મામલતદાર બીપી બોરખતરીયાને પૂછતાં તેઓએ જણાવેક કે, જાંબુડી ગામમાં ચાલતા સ્ટોન ક્રશરને કારણે ગામમાં ખેતીને અને મકાનોને નુકશાની થયાનું ગામવાસીઓનું આવેદન અમને મળેલ છે. જે અંગે અમારી કચેરી દ્વારા સ્થળ પર જઈ ખરાઈ કરી તેનો રીપોર્ટ આવ્યે નિયોનુસર કાર્યવાહી કરવામાં આવશે








