
તા.૩૦/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
જૂના જામેલા કચરાના ઢગ, નક્કામા ઝાડી-ઝાંખરા દૂર કરીને વિસ્તારો સુઘડ બનાવાયા
Rajkot: “સ્વચ્છતા એ જ સેવા” અભિયાનને રાજકોટ જિલ્લામાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બસ સ્ટેશન, જાહેર માર્ગો ઉપરાંત રોડની પાસેના વિસ્તારો, શાળાઓ વગેરે સ્થળો પર સઘન સ્વચ્છતા ચાલી રહી છે. “મારું ગામ, સ્વચ્છ અને સુંદર ગામ” એવી નેમ સાથે ગ્રામીણ વિસ્તારના લોકો, ગામડામાં જૂના જામેલા કચરાના ઢગ, નક્કામા ઝાડી-ઝાંખરા દૂર કરીને વિસ્તારો સુઘડ બનાવી રહ્યા છે.

જિલ્લાના પડધરીમાં બજારમાં સઘન સ્વચ્છતા હાથ ધરવામાં આવી હતી. જેમાં બજારનો ખૂણેખૂણો સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો. જ્યારે ખંઢેરીમાં જાહેર માર્ગ, હાઈવે આસપાસ તેમજ વિવિધ વિસ્તારોમાં સઘન સ્વચ્છતા કરાઈ હતી. અહીં સમાજની વાડી સહિતના વિસ્તારો પાસે જામેલો કચરો દૂર કરીને કાયાપલટ કરી નાંખવામાં આવી હતી.
રાજકોટ-વાડીનાર સ્ટેટ હાઇવે-૨૫ પર આવેલા મોટા રામપરમાં બસ સ્ટેશનમાં સઘન સ્વચ્છતા કરવામાં આવી હતી અને બસ સ્ટેશનને એકદમ ચોખ્ખુંચણાક બનાવાયું હતું. જ્યારે તરઘડીમાં હાઇવે-રોડ કાંઠે ઘણા સમયથી જામેલા ઢગલા તથા ઝાડી-ઝાંખરા દૂર કરીને વિસ્તારો સ્વચ્છ બનાવાયા હતા. ઉપરાંત પડધરીના બાઘી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકો-સ્ટાફે મળીને શાળા આસપાસ સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરી હતી અને સમગ્ર વિસ્તારને એકદમ સ્વચ્છ બનાવ્યો હતો. આ વિવિધ વિસ્તારોમાં થયેલી સ્વચ્છતા ઝુંબેશમાં નાગરિકોનો પણ પૂરતો સહયોગ રહ્યો હતો. રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આગામી દિવસોમાં પણ સઘન સ્વચ્છતા ઝુંબેશ ચાલુ રહેનાર હોવાનું જાણવા મળ્યું છે.








