
તા.૧૯/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી અને રેલવેના ડિવિઝનલ મેનેજરશ્રી અશ્વિનીકુમારના હસ્તે રાજકોટ – દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેનના નવા પરિવર્તિત એલ.એચ.બી. રેકનો શુભારંભ કરાયો હતો.

રાજકોટ – દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ રાજકોટથી અને દિલ્હી સરાય રોહિલ્લા ટ્રેન રોહિલ્લાથી એમ કુલ બે ટ્રેનો પરંપરાગત રેકની જગ્યાએ નવા રૂપાંતરિત એલ.એચ.બી.(લીંક હોફમેન બુશમન) રેક સાથે બદલીને અદ્યતન સુવિધા પ્રાપ્ત થશે. જેમાં મુસાફરોને વધુ આરામદાયક અને સલામત મુસાફરીનો અનુભવ થશે. આ ટ્રેનોમાં કુલ ૨૨ કોચ હશે, જેમાં એક ફર્સ્ટ એ.સી., બે સેકન્ડ એ.સી., ૬ થર્ડ એ.સી., આઠ સેકન્ડ સ્લીપર એ.સી., ત્રણ જનરલ અને એક લગેજ વાન તેમજ એક જનરેટર વાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ તકે રાજકોટ મેયરશ્રી નયનાબેન પેઢડીયાએ “સ્વચ્છતા હી સેવા”ના સંદેશો આપતા જણાવ્યું હતું કે, હાલ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારતભરમાં રેલ્વેને અદ્યતન સુવિધાઓ મળી રહી છે, ત્યારે ટ્રેનને સ્વચ્છ રાખવી દરેક નાગરિકની ફરજ છે.
ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, આજના દિવસે રાજકોટને અવનવી ટ્રેનની ભેટ મળી છે. રાજકોટ – દિલ્હીના લાંબા અંતરને ધ્યાનમાં રાખીને જુના આર.સી.એફ.ના ડબ્બાને બદલે નવીન ટેકનોલોજીવાળા એલ.એચ.બી.ના કોચની સુવિધા પ્રાપ્ત થઇ છે. જેમાં સીટની ક્ષમતા પણ વધારે છે. તથા ઓછા વજનને લીધે ટ્રેનની ગતિમાં વધારો થવા સાથે અને સમય તથા શક્તિનો પણ બચાવ થશે.

સાંસદશ્રી રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતું કે, રાજકોટને આધુનિક સુવિધાવાળી નવી ૭ ટ્રેન મળી છે, જેમાં. રાજકોટના રેલ્વે પરિવહનનો વિકાસ કરતી વંદે ભારત ખૂબ મહત્વની છે. રેલવે તંત્રએ કોરોનાના કપરા સમયમાં બજાવેલી સરાહનીય કામગીરીને શ્રી મોકરીયાએ બિરદાવી હતી.
આ પ્રસંગે મહાનુભાવોનું સ્વાગત પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું હતું. રાજકોટ રેલવેના ડિવિઝન મેનેજરશ્રી અશ્વિનીકુમારે સ્વાગત ઉદબોધન કર્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, અગ્રણીશ્રી લીલુબેન જાદવ અને શ્રી મનીષભાઈ રાડીયા, રેલ્વે સલાહકાર સમિતિના સભ્યશ્રી હરિકૃષ્ણભાઈ જોશી, રેલ્વે વિભાગનો સ્ટાફ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.








