
તા.૧૬/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: “ગ્લોબલ હેન્ડ વોશ ડે”ની ઉજવણી સૌ પ્રથમ ૧૫,ઓક્ટોમ્બર, ૨૦૦૮માં દુનિયામાં ૭૦થી વધારે દેશોમાં કરવામાં આવી હતી, ત્યાર બાદ દર વર્ષે “ગ્લોબલ હેન્ડ વોશ ડે”ની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં પણ “ગ્લોબલ હેન્ડ વોશ ડે” ની ઉજવણી કરવામાં આવે છે.

જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા રાજકોટ દ્રારા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી નિલેશ રાઠોડ તથા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા “ગ્લોબલ હેન્ડ વોશ ડે”ની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષની થીમ “હેન્ડ હાઇજિન ફોર ઓલ” ઉપર રાજકોટ જિલ્લાના ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ ૯ અર્બન હેલ્થ સેન્ટરો, ૩૪૪ સબસેન્ટરો અને તેમના સેજાના ગામોની શાળાઑમાં ઉજવણી કરવામાં આવી હતી.
જિલ્લાની શાળાઑમાં આરોગ્ય ટીમ દ્વારા બાળકોને વારંવાર સાબુથી હાથ ધોવાના ફાયદાઓ સમજાવવામાં આવ્યા હતા. જેમાં વારંવાર સાબુથી હાથ ધોવાથી ઘણા બધા રોગોથી બચી શકાય છે. બાળકોને હાથ ધોવાની પધ્ધતિ વિષે જાણકારી આપવામાં આવી હતી. હાથ ધોવાની પધ્ધતિમાં ૭ સ્ટેપ વિષે સમજાવવામાં આવ્યું હતું, જેમાં સાદા પાણીથી હાથ ભીના કરવા, બંને હાથની હથેળીઑને સામ સામે ઘસી સાબુનું ફીણ કરવું, બંને હાથની આંગળીઑને સામ સામે રાખી વચ્ચેથી બરાબર ઘસવી, બંને હાથના અંગૂઠાને મસળીને સાફ કરવા, બંને હાથની આંગળીઑને ઉપર નીચેથી બરાબર સાફ કરી બંને હાથના નખ અને આંગળીઑના ટેરવાને બરાબર સાફ કરવા, બંને હાથને સ્વચ્છ પાણીથી ધોયા પછી યોગ્ય રીતે સુકવવા, વગેરેનો સમાવેશ થાય છે.








