
તા.૧૨/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: મધ્યપ્રદેશની સગર્ભાને રાજકોટ નજીક બસમાં જ સલામત પ્રસુતિ કરાવી ૧૦૮ ની ટીમે માતા અને બાળક બંનેના જીવ બચાવ્યા હતા. પરપ્રાંતિય પ્રસુતાને મધ્યપ્રદેશથી જામનગર જતી ખાનગી બસમાં કુવાડવા નજીક બસની મુસાફરી દરમિયાન પ્રસુતિની પીડા ઉપડતા બસના સેવાભાવી મુસાફરે સમય સૂચકતા વાપરી તાત્કાલિક ૧૦૮ માં ફોન કર્યો, જેના આધારે સમયસર ૧૦૮ની ટીમ આવી પહોંચી હતી. ફરજ પરના કર્મચારીઓ ઈ.એમ.ટી શ્રી ભાવેશ વાઢેર અને પાયલોટ શ્રી ઘનશ્યામ ડાંગરે સગર્ભા માતાની તપાસ કરતા જણાયું હતું કે નવજાત શિશુનું માથા આવી ગયું હતુ, આથી તરત ૧૦૮ ના કર્મચારીઓએ ટેલિફોનિક ૧૦૮ હેડ ક્વાર્ટર ડોક્ટરનો સંપર્ક કરી એમની સૂચના મુજબ બસમાં જ પ્રસ્તુતિ કરવી પડી હતી અને બસમાં અન્ય મહિલાનો સહકાર પ્રાપ્ત કરી બસમાં નવજાત શિશુનો જન્મ કરાવાયો હતો.

માતા અને બાળકને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરે સગર્ભા માતા અને નવજાત શિશુની સુરક્ષાની પુષ્ટિ કરી હતી.

આ રીતે ૧૦૮ ની ત્વરિત અને સરહાનીય કામગીરીથી મધ્યપ્રદેશની સગર્ભા માતા અને બાળકને નવી જિંદગી મળી હતી. જે બદલ પ્રસૂતાના પરિવારજનોએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની ૧૦૮ સેવાનો લાભ મારા જેવા અનેક પરિવારોને અવિરત મળતો રહે છે અને તેમના દ્વારા બાળક નવજીવન મેળવી શકે છે.








