GUJARATJETPURRAJKOT

Rajkot: ‘‘રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’’થી જેતપુરની ત્રણ માસની બાળાની જન્મજાત કલબ ફુટ (વળેલા પગ)ની ક્ષતિ થઈ દૂર

તા.૧૨/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જૂનાગઢ સીવીલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં નિષ્ણાત તબીબોની દ્વારા કરાઇ સારવાર

Rajkot: સામાન્ય રીતે માનવજીવનમાં શરીરના દરેક અંગનું મહત્વ હોય છે. જો કોઈપણ અંગ ખામીયુક્ત હોય તો જીવનમાં નાની-મોટી તકલીફો પડતી હોય છે. સામાન્ય જીવન ન જીવી શકતાં વિકાસ રૂંધાય છે. પરંતુ જ્યારે તેનો સમયસ૨ ઈલાજ અને સારવાર થાય તો જીવન આનંદથી જીવી શકાય છે. આવું જ કંઈક બન્યું છે રાજકોટ જિલ્લાના જેતપુરના એક ખેડૂત પરિવારમાં.

આજથી ત્રણેક મહિના પહેલાં તા.૨૯.૮.૨૦૨૩ ના રોજ આ ખેડૂત પરિવારમાં એક સુંદર બાળકીનો જન્મ થયો હતો. બાળકીના પિતા શિવરાજભાઇ મોઢ અને પરિવારજનોએ ખૂબ જ હરખભેર તેનું નામ જયવીરા પાડ્યું. તા.૩૧.૦૮.૨૩ના રોજ આર.બી.એસ.કે.ની ટીમે આ બાળકનું સ્ક્રિનિંગ કર્યું તેમાં જણાયું કે આ બાળક જન્મથી જ કલબ ફુટ(વળેલા પગ)ની ખામી ધરાવે છે. દીકરીને આ બીમારી હોવાનું જણાતાં જયવીરાના પરિવારજનો ખૂબ જ દુઃખી દુઃખી થઈ ગયા.

‘‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK)’’ ટીમના ડો.રાજેષ બુટાણી અને ડો.ભાવિશા રૈયાણીએ આ પરિવારને સમજાવવાના પ્રયત્નો કર્યા. સમયસર ઈલાજ અને સારવારથી જયવીરા ખૂબ જ ઝડપથી અન્ય બાળકોની જેમ સારી રીતે ચાલતી થઈ જશે. પરંતુ જ્યારે ખબર પડી કે જયવીરાને આ સારવારનો દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચ થાય તેમ છે. ત્યારે વર્ષે દહાડે ખેતીમાંથી મળતી ૫૦ હજાર જેટલી આવકમાંથી આવડો મોટો સારવારનો ખર્ચ કઈ રીતે પોસાય, તેની ચિંતા પરિવારને થઇ.

આ વિશે જયવીરાના પરિવારને આર.બી.એસ.કે.ની ટીમે સમજાવ્યું કે ‘‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’’ દ્વારા આ પ્રકારની ખામીવાળા બાળકોની સારવાર રાજયસરકાર દ્વારા વિના મૂલ્યે કરવામાં આવે છે, જેથી તમે કોઈપણ જાતની ચિંતા કરશો નહીં. જયવીરાને જૂનાગઢ સીવીલ હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક વિભાગમાં રીફર કરવામાં આવી જ્યાં ઓર્થોપેડિક વિભાગના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા કુલ બે પ્લાસ્ટર કરીને બાદમાં બાળકીને બુટ આપવામાં આવ્યા હતા.

હાલ બાળકી ઓન શુઝ છે. જયવીરાના માતા-પિતાએ ભાવવિભોર થઈને આરોગ્ય તંત્ર, શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અને તેની સાથે જોડાયેલા તમામ તબીબો અને આર.બી.એસ.કે ટીમનો આભાર માન્યો હતો. જિલ્લામાં બાળકો તંદુરસ્ત રહે તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શનમાં આરોગ્ય તંત્ર સતત કાર્યરત રહીને જરૂરિયાતવાળા નાગરિકો માટે સરાહનીય આરોગ્ય સુવિધાઓ પુરી પાડવા પ્રયતનશીલ છે.

[wptube id="1252022"]
Back to top button