Rajkot: કોટડાસાંગાણી ઘટક દ્વારા પોષણ માસ નિમિત્તે ‘પોષન ભી પઢાઇ ભી’ કાર્યક્રમ અંતર્ગત સ્પર્ધા યોજાઇ

તા.૧૦/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
આંગણવાડીના બાળકોના શિક્ષણ માટે દાતાઓએ પુસ્તકો અર્પણ કર્યા
Rajkot: કોટડાસાંગાણી ઘટક દ્વારા પોષણ માસ નિમિત્તે ‘પોષન ભી પઢાઇ ભી’ કાર્યક્રમ અંતર્ગત દરેક આંગણવાડી વર્કર પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં કંઈક નવું કરી શકે તે માટેની સ્પર્ધા પ્રોગ્રામ ઓફિસરશ્રી સવિત્રીબેન નાથજી અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઇ હતી.

મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કર્યા બાદ વર્કર બહેનો દ્વારા તેઓનું પુષ્પગુચ્છથી સન્માન કરાયુ હતું. દાતાશ્રી મહેન્દ્રભાઈ અને શ્રી હાર્દિકભાઈ તરફથી આંગણવાડીના કેન્દ્રમાં બાળકો સારી રીતે પૂર્વ પ્રાથમિક શિક્ષણ લઈ શકે તે માટે થીમ આધારિત ઉપયોગી પુસ્તક આંગણવાડી કેન્દ્રને અપાયા હતા.

સ્પર્ધાના અંતે એક થી પાંચ આવનાર શ્રેષ્ઠ ટી.એલ.એમ. બનાવનાર વર્કર બહેનોને ઇનામ વિતરણ કરાયુ હતું. પ્રોગ્રામ ઓફીસરશ્રીએ બાળ વિકાસમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણના મહત્વ વિશે ઊંડાણ પૂર્વક આંગણવાડી વર્કરને માર્ગદર્શન આપ્યુ હતું. તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ કોટડા સાંગાણી ઘટકમાં આંગણવાડીના મકાન, રીપેરીંગ તેમજ ખૂટતી સુવિધા આપવા માટે સક્રિય પ્રયાસ કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું. બાળ વિકાસ યોજના અધિકારીઓ પૂજાબેન જોશીએ આંગણવાડી વર્કર બહેનોને પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં બાળકો રસ અને રુચિ કઈ રીતે મેળવે તે અંગે માહિતી આપી હતી. કુપોષણ દૂર કરવા અંગેની પ્રશ્નાવલી પણ યોજાઇ હતી. કુપોષણ દૂર કરવા માટે ઝુંબેશરૂપે કામગીરી કરવા જણાવાયુ હતું.








