RAMESH SAVANI

Ramesh Savani : એટ્રોસિટી એક્ટ હેઠળના કેસમાં દલિતને સજા થાય?

એટ્રોસિટી એક્ટ હેઠળની સ્પેશિયલ કોર્ટ કેવા કેવા મનસ્વી/ અતાર્કિક/ અન્યાયી ચૂકાદાઓ આપે છે; તે જાણવા વધુ એક ઉદાહરણ લઈએ. પાટણ સ્પેશિયલ કેસ નંબર- 31/2018માં વિગત એવી હતી કે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જેતલપુરા ગામમાં, 25 મે 2017ના રોજ સવારે નવ વાગ્યે ફરિયાદી સવિતાબેન પરમાર (55), તેના પતિ રત્નાભાઈ પરમાર, તેના પુત્ર જગદીશભાઈ તથા તેના મહોલ્લાના લક્ષ્મણભાઈ/ જયંતિભાઈ તથા મહિલાઓ સવિતાબેનના પુત્ર હસમુખના પત્ની પુષ્પાબેનનું આણું કરી તેને ગામના ગોંદરે મૂકી પરત આવતા હતા ત્યારે ગામના ઠાકોર દિલીપજી ચુનાજી તથા દિનેશજી ચમનજી તથા મોભજી લવજી તથા સોનાજી વિરાજી હાથમાં ધારિયું/ તલવાર/ લાકડી લઈ ઊભા હતા. તેમણે સવિતાબેનને કહેલ કે ‘સાલા…તમે નીચી કોમના હોવા છતાં તમે ગામમાં ડી. જે. (Disc Jockey) વગાડી તમારો પ્રસંગ કેમ ધામધૂમથી કરેલ?’ આરોપીઓએ ભૂંડાબોલી ગાળો આપેલ. દિનેશજીએ જબીબેન પરમારના મોંઢાના ભાગે મારેલ. ભોમજીએ ભાવેશ પરમારને બરડામાં તથા પાંસળી પર લાકડી મારેલ. સોનાજીએ સવિતાબેનને બરડામાં ઊંધી તલવાર મારેલ. દિલીપજીએ સવિતાબેનને કપાળના ભાગે પથ્થર મારેલ. ફરિયાદી તથા સાથેના માણસોએ બૂમાબૂમ કરી તેથી મહોલ્લામાંથી બીજા માણસો દોડી આવેલ તેમણે આરોપીઓને સમજાવી ત્યાંથી કાઢેલા. તે વખતે આરોપીઓએ ધમકી આપેલ કે ‘આજ પછી તમે… અમારા ગામમાં ડી. જે. સાઉન્ડ વગાડશો તો જીવતા નહીં રહો !’ આ અંગે રાધનપુર પોલીસ સ્ટેશનમાં IPC કલમ-326, 324, 323, 338,504, 506(2), 114 તથા એટ્રોસિટી કલમ-3(1)(r)(s), 3(2)(5)(A) તથા ગુજરાત પોલીસ એક્ટ કલમ-135 હેઠળ ગુનો દાખલ થયેલ. તપાસના અંતે પોલીસે ચાર્જશીટ કરેલ. કોર્ટમાં કેસ ચાલવા પર આવતા સવિતાબેન/જબીબેન/ રત્નાભાઈ તથા આરોપીઓની સહીથી સમાધાન રજૂ કરેલ. તત્કાલિન જજે સમાધાનને મંજૂર કરેલ. પરંતુ આ સમાધાનમાં ઈજાગ્રસ્ત ભાવેશ પરમારની સહી ન હતી એટલે તેના પૂરતો કેસ ચાલેલ.
15 સાહેદો અને 19 પુરાવાઓ રજૂ થયાં. પંચો ફરી ગયા. સવિતાબેને કોર્ટ સમક્ષ કહ્યું : “ડી. જે. વગાડવા બાબતે આરોપીઓ સાથે સામાન્ય બોલાચાલી થયેલ, ઝપાઝપી થયેલ. જાતિ વિશે અપમાન કરેલ નથી. હું અભણ છું. મજૂરી કરું છું. આરોપીઓ મારા ગામના છે એટલે ઓળખું છું. બનાવ વખતે મને કંઈ વાગેલ નહીં.” સાહેદ જબીબેને તથા સાહેદ રત્નાભાઈ તથા જગદીશભાઈ તથા સાહેદ હિતેશ પરમાર તથા સાહેદ કિશનભાઈ તથા સાહેદ તળશીભાઈએ ‘સામાન્ય ઝપાઝપી થયેલ’ તેમ જણાવેલ. તેઓ બધા ફરી ગયેલ. પરંતુ સારવાર કરનાર ડોકટર કૃણાલ પટેલે કહેલ : “જબીબેનને આરોપી દિનેશજીએ ધારિયા વડે મારેલ, તેના ઉપરના હોઠ પર 8×5 સે.મિ.નો ઘા હતો તેની ઊંડાઈ હાડકા સુધીની હતી. તેને પાટણ સિવિલ હોસ્પિટલમાં રીફર કરેલ. જ્યારે સવિતાબેનના કપાળમાં 5×3 સે.મિ.ની ઈજા હતી, જેની ઊંડાઈ હાડકાં સુધીની હતી.” સાહેદ ભાવેશ પરમારે જણાવેલ : “મારા કાકાની દીકરીના લગ્ન હતા અને ડી. જે. વાગતું હતું તેથી ગામના ઠાકોરોએ કહેલ કે તમારી જાત નીચી છે, કેમ ડી.જે. વગાડો છો? બીજી વખત ડી.જે. વગાડશો તો મઝા નહીં આવે. તેમ કહી મા-બેન સામે ગાળો બોલવા લાગ્યા. ચાર આરોપીઓ અમને મારવા લાગ્યા. મને પીઠમાં અને છાતીમાં ધોકો મારેલ. જબીબેનને દાંતની ઉપરના ભાગે ધારિયું વાગેલ. દિલીપજીએ મોટી માના માથા પર પાણો મારેલ અને તેણે પીઠમાં ઊંધી તલવાર મારેલ.” તપાસ કરનાર DySP ચેતનાબેન ચૌધરીએ જુબાની આપેલ : “સાહેદોએ લખાવ્યા મુજબ તેમના નિવેદનો નોંધેલ હતા.” સાહેદ રીતેશકુમાર પટેલ, પાટણ નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણમાં પ્રોજેક્ટ અધિકારી હતા, તેણે કહ્યું : “સવિતાબેનને રુપિયા 75,000 અને જબીબેનને રુપિયા 1,50,000 સહાય ચૂકવેલ.”
આ કેસમાં પાટણ/રાધનપુરના અધિક સત્ર ન્યાયાધીશ હિતેશ હરીલાલ ગાંધીએ 31 ડીસેમ્બર 2021ના રોજ ચૂકાદો આપ્યો : “સાહેદ ડોક્ટર કૃણાલ પટેલે રજૂ કરેલ સારવાર સર્ટિફિકેટને ફરિયાદી/સાહેદોના મૌખિક પુરાવાથી સમર્થન મળતું નથી. સાહેદ ભાવેશ પરમારનો પુરાવો વિશ્વસનીય જણાતો નથી. સરકારી સહાય મેળવનાર સવિતાબેન તથા જબીબેન ફરી ગયેલ છે. PSO ગેમરભાઈ દેસાઈ/ ફરિયાદ લેનાર PSI રોહિત પરમાર/ તપાસ અધિકારી DySP ચેતનાબેન ચૌધરીનો પુરાવો પ્રોસિક્યુશનને સ્પષ્ટ મદદરુપ થતો નથી. પબ્લિક પ્રોસિક્યુટર એસ. કે. પટેલે બન્ને વિક્ટિમ પાસેથી સહાયની રકમ પરત મેળવવા તથા બન્ને સામે પ્રોસિક્યુશન કરવા કોર્ટને અરજી કરેલ છે. ત્રણેય આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા તથા સવિતાબેન તથા જબીબેનને ચૂકવેલ સહાય પરત લેવા હુકમ કરવામાં આવે છે. ફરિયાદી સવિતાબેન તથા સાહેદ જબીબેને ખોટો પુરાવો આપવાના ગુના માટે શામાટે સજા ન કરવી તે બાબતે તેઓને કંઈ કહેવું હોય તો 7 જાન્યુઆરી 2022ના રોજ 10.45 વાગ્યે આ કોર્ટમાં હાજર રહેવું.”
જજે 28 એપ્રિલ 2022ના રોજ ઉપરના કેસના સંદર્ભે (ક્રિમિનલ ઈન્કવાયરી નંબર-1/2021) હુકમ કર્યો : “સવિતાબેન તથા જબીબેને સહાયની રકમ પરત ભરી નથી તેથી તેમણે કોર્ટના હુકમનો ભંગ કરેલ છે. તેથી સવિતાબેન તથા જબીબેનને બે માસની સાદી કેદ તથા રુપિયા 200 દંડ કરવામાં આવે છે. જો દંડ ન ભરે તો વધુ દિવસ-10ની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવે છે. બન્નેને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કરવામાં આવે છે.” આ હુકમ સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ થતાં હાઈકોર્ટે 26 મે 2022ના રોજ નીચલી કોર્ટનો હુકમ મોકૂફ રાખ્યો. અપીલ પેન્ડિંગ છે.
થોડાં પ્રશ્નો : [1] કેસ નિશંકપણે સાબિત ન થાય તેથી ફરિયાદીને ખોટા માની શકાય? ફરિયાદી/ સાહેદો SC છે અને પોતાના જ ગામમાં રહેતા જૂથબળ વાળા આરોપીઓ સાથે રહેવાનું હોવાથી ફરિયાદી/સાહેદો પર સમાધાનનું દબાણ આવે તે સહજ છે. આ કેસમાં પણ ફરિયાદી/ સાહેદો પોતાને ઈજા થયેલ છતાં ‘સામાન્ય બોલાચાલી/ ઝપાઝપી’ થઈ હતી તેમ કોર્ટ સમક્ષ કહે છે. પરંતુ FIR લેનાર PSI/ FIR રજિસ્ટર કરનાર PSO/ તપાસ કરનાર DySP/ સારવાર કરનાર ડોક્ટર/ વિક્ટિમ ભાવેશ પરમાર સ્પષ્ટ જુબાની આપે છે; છતાં કોર્ટને સવિતાબેન/ જબીબેન ખોટા લાગે છે ! અને સહાયની રકમ પરત વસૂલ કરવાનો હુકમ કરે છે અને બે મહિના કેદની સજા કરે છે ! શું જજ અંધકારમાં રહેતા હશે? સમાજની રચના/ ગામડાઓમાં જૂથબળના પ્રભાવ બાબતે અજાણ હશે? [2] સવિતાબેન ખેત મજૂરી કરે છે અને જબીબેન અમદાવાદમાં કાગળ વીણે છે. શું આ બન્ને મહિલાઓને બે મહિનાની કેદની સજા કરવી ઉચિત છે? વળી શું આ બન્ને બહેનોએ કોર્ટ સમક્ષ ‘સામાન્ય બોલાચાલી થયેલ, ઝપાઝપી થયેલ’ એવું ગોળગોળ કહેલ છે, તે તેમનો નિર્ણય હશે કે ગામના માથાભારે તત્વોના ત્રાસ/ ડરના કારણે કહેલ હશે? આ બાબતે જજે પોલીસ પાસેથી અહેવાલ શામાટે મંગાવ્યો નહીં? શામાટે જજે આ બન્ને મહિલાઓને મનસ્વીપણે સજા ફટકારી? [3] આવા વિચિત્ર/ અતાર્કિક/ પૂર્વગ્રહ ભરેલા ચૂકાદા સામે જિલ્લા તકેદારી સમિતિમાં તથા રાજ્ય તકેદારી સમિતિમાં શામાટે ચર્ચા થતી નથી? રાજ્યના પોલીસ વડાની કચેરીમાં SC/ST સેલ છે; તેના અધિકારી આવા ચૂકાદાઓનો અભ્યાસ કરી અપીલમાં જવા કાયદા વિભાગને શામાટે દરખાસ્ત કરતા નથી? [4] IPC કલમ-195 મુજબ આજીવન કેદ અથવા કેદની સજાને પાત્ર ગુના માટે દોષિત ઠરાવવાના ઈરાદાથી ખોટા પુરાવા આપે તો ગુનો બને. પરંતુ આ કિસ્સામાં સવિતાબેને કે જબીબેને આરોપીને સજા થાય તે હેતુથી ખોટો પુરાવો આપ્યો નથી. જો IPC કલમ-195 મુજબ ગુનો ન હોય તો CrPC કલમ-340 લાગુ પડે નહીં. શું જજને આ જાણકારી નહીં હોય? પબ્લિક પ્રોસિક્યુટર એસ. કે. પટેલે શામાટે સવિતાબેન/ જબીબેન સામે કાર્યવાહી કરવા કોર્ટને લેખિત ફરિયાદ ન કરી? જજે સજા કરવા નોટિસ આપી તે બાબતે આગળની કાર્યવાહી માટે મેટર મેજિસ્ટ્રેટને ન મોકલી? શામાટે પોતાની પાસે મોટર રાખી? શું જજ પોતે આ કિસ્સામાં ન્યાયાધીશ બની શકે? [5] વિસ્મય શાહના કેસમાં ફરિયાદી સાથે સમાધાન થયેલ હતું; છતાં તેની પાંચ વરસની સજા ઉપલી કોર્ટમાં યથાવત રહી હતી. વળી સમાધાન કરનાર ફરિયાદી/ સાહેદનો જ વાંક; આરોપીઓનો કોઈ વાંક જ નહીં; આને ન્યાય કહેવાય કે અન્યાય? ફરિયાદી/ સાહેદ ગરીબ છે, અશિક્ષિત છે અને દલિત છે, એટલે ગામના જૂથબળ વાળાએ સમાધાનના નામે ટ્રેપ કર્યા હોય તેવું ન બની શકે? શું એટ્રોસિટી એક્ટ હેઠળના કેસમાં દલિતને જ સજા થાય, તે Judicial Oxymoron-ન્યાયિક વિરોધાભાસ નથી?rs [સૌજન્ય : પૂર્વ જજ અને એડવોકેટ કે. બી. રાઠોડ]

[wptube id="1252022"]
Back to top button