Old Pension Scheme : રામલીલા મેદાનમાં જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન

જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે દિલ્હીના રામલીલા મેદાનમાં દેશભરના સરકારી કર્મચારી ભેગા થયા છે. 1 ઓક્ટોબર સવારથી જ સરકારી કર્મચારીઓથી રામલીલા મેદાન ભરાઇ ગયું છે. દિલ્હી પોલીસે મેદાનમાં ટેન્ટ લગાવવાની મંજૂરી આપી નહતી તેમ છતા કર્મચારીઓની ભારે ભીડ જોવા મળી હતી.
જુની પેન્શન યોજના લાગુ ના થતા શિક્ષક, કર્મચારી અને અધિકારીઓમાં ભારે રોષ છે. અટેવા સતત ખાનગીકરણ ભારત છોડો અભિયાન ચલાવી રહ્યું છે. રામલીલા મેદાનમાં લાખો કર્મચારી સામેલ થયા છે અને રેલીના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જુની પેન્શન યોજના લાગુ કરવા અને ખાનગીકરણ સમાપ્ત કરવાની માંગ કરવામાં આવશે.
આજે નેશનલ મુવમેન્ટ ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ (NMOPS)ના બેનર હેઠળ દેશભરના લાખો કર્મચારીઓ દિલ્હી પહોંચી ગયા છે. આ રેલી દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં યોજાઇ રહી છે. આ રેલીને પેન્શન શંખનાદ મહારેલી નામ આપવામાં આવ્યું છે. આ રેલીને દેશના ખેડૂતો અને અન્ય મજૂર સંગઠનો પણ પોતાનું સમર્થન આપ્યું છે.
દિલ્હીમાં રામલીલા મેદાન ખાતે દરેક રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં સરકારી કર્મચારીઓ ભેગા થયા હતા. રામલીલા મેદાનમાં નવી પેન્શન યોજના અને ફિક્સ પગાર નીતિ કેટલી નુકશાનકારક અને શોષીત છે તે માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને વિનંતી કરવામાં આવી હતી કે કર્મચારીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે.
જુની પેન્શન યોજનામાં કર્મચારીને આપવામાં આવતું પેન્શન સરકારની તિજોરીમાંથી ચૂકવવામાં આવે છે. આ સિવાય આ પેન્શન સ્કીમમાં 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઇટી મળે છે. નિવૃત્ત કર્મચારીના મૃત્યુ પર, તેના પરિવારના સભ્યોને પેન્શન મળે છે. જૂની પેન્શન યોજનામાં કર્મચારીઓને દર 6 મહિના પછી ડીએ આપવાની જોગવાઈ છે.
NPSમાં કર્મચારીઓના પગારમાંથી 10% કાપવામાં આવે છે, જ્યારે જૂની પેન્શન યોજનામાં પગારમાંથી કોઈ રકમ કપાત નથી. જૂની પેન્શન સ્કીમમાં GPFની સુવિધા હતી, પરંતુ નવી સ્કીમમાં આ સુવિધા નથી. જૂની પેન્શન યોજનામાં, નિવૃત્તિ સમયે, પગારનો અડધો ભાગ પેન્શન તરીકે મળતો હતો, જ્યારે નવી પેન્શન યોજનામાં, તમને કેટલું પેન્શન મળશે તેની કોઈ ખાતરી નથી.બંને વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે જૂની પેન્શન યોજના એક સુરક્ષિત યોજના છે.










