
તા.૨૯/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજતા પાણી પુરવઠા મંત્રીશ્રી
Rajkot: રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને રાજકોટમાં બહુમાળી ભવન જીત સિંચાઇ વિભાગની કચેરી ખાતે સિંચાઈ, “સૌની” યોજના તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં પ્રગતિ હેઠળના કામોને વેગવાન બનાવવા તથા બાકી કામો વહેલાસર પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી.
રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના સિંચાઈ (પંચાયત) અને સિંચાઈ (રાજ્ય)ના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં, મંત્રીશ્રી કુંવરજીભાઈએ ચેકડેમ તથા તળાવના રિપેરિંગના કામો, “સૌની” યોજના સાથે જોડવાના તળાવો, સિંચાઈ વિભાગની મિલકતોની જાળવણી, તથા હાલ ચાલી રહેલા કામોની ગુણવત્તાની સમીક્ષા કરી આ કામોમાં ગતિ લાવવા સૂચના આપી હતી. અને વિવિધ વિસ્તારમાં સિંચાઈ ખાતાને લગતા પ્રશ્નોની વિગતો મેળવી તેના ઉકેલ માટે માર્ગદર્શન આપ્યું હતું.

મંત્રીશ્રીએ વિવિધ વિસ્તારોમાં આવેલા ચેકડેમ કે મોટા ડેમ સહિતના સિંચાઈ વિભાગના માળખાને નુકસાન કરતી વિવિધ પ્રવૃત્તિઓ સામે કડક હાથે કામ લેવા સૂચના આપી હતી.
“સૌની” યોજનાના અધિકારીઓ સાથેની બેઠકમાં મંત્રીશ્રીએ લિન્ક-૪ના પેકેજ-૫ની સ્થિતિ જાણી હતી તેમજ “સૌની” યોજના અંતર્ગત હાલ થતાં પાણી વિતરણની વિગતો મેળવી હતી. અને પ્રગતિ હેઠળના કામો વેગવાન બનાવવા અને આગામી સમયમાં હાથ ધરાનાર કામોને વહેલાસર શરૂ કરવા પણ અધિકારીને જણાવ્યું હતું.
જ્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં મંત્રીશ્રી કુંવરજીભાઈએ મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગરના વિવિધ તાલુકામાં પાઈપલાઈન નાંખવાની કામગીરીનો પ્રગતિ અહેવાલ જાણ્યો હતો. તથા આગામી દિવસોમાં નવા વિસ્તારોમાં નવી પાઈપલાઈન બિછાવીને નર્મદાના પાણી પહોંચાડવા અંગે આયોજન વિચારવામાં આવ્યું હતું.
આ બેઠકમાં રાજકોટ સિંચાઈ યોજના વર્તુળના સિંચાઈ (પંચાયત) અને સિંચાઈ (સ્ટેટ) વિભાગના રાજકોટના કાર્યપાલક ઈજનેર સર્વશ્રી ભાવિન ભીમજીયાણી, શ્રી વિવેક ગોહિલ, મોરબીના શ્રી ગુલાબ પટેલ, શ્રી પ્રમોદગીરી ગોસાઈ, સુરેન્દ્રનગરના શ્રી કે.બી. પટેલિયા, શ્રી વિરલ ગજ્જર જ્યારે રાજકોટ સિંચાઈ વર્તુળના સૌની યોજનાના અધિક્ષક ઈજનેરશ્રી કે. એચ. મહેતા, કાર્યપાલક ઇજનેરશ્રી એન.વી. ચાઉં, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીઓ તેમજ પાણી પુરવઠા વિભાગના ચીફ એન્જિનિયરશ્રી રાજ મહેરિયા (સિવિલ), સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયરશ્રી કોમલ અડાલજા (સિવિલ), શ્રી કુણબી (યાંત્રિક) ઉપરાંત રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા, લીંબડીના કાર્યપાલક ઈજનેરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.








