VALSADVALSAD CITY / TALUKO

Valsad : ગાંધી લાઈબ્રેરીના સભાખંડમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા

ગુજરાતના પ્રતિષ્ઠિત સાહિત્યકાર ડો.મણિલાલ પટેલનો ‘‘પુસ્તકો આપણી રાહ જુએ છે’’ વિષય અંતર્ગત ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો

— પુસ્તકો આપણને માનવ મૂલ્યો એટલે સત્ય, પ્રેમ, સદાચાર, નીતિ અને શ્રધ્ધાનો પરિચય કરાવે છેઃ ડો. મણિલાલ પટેલ

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૭ સપ્ટેમ્બર

ગુજરાત સરકારના ગુજરાત સાહિત્ય ગૌરવ પુરસ્કારથી બે વાર સન્માનિત અને ૩૦ થી વધુ પારિતોષિક મેળવનાર પ્રતિષ્ઠિત સાહિત્યકાર ડો.મણિલાલ હ.પટેલના મુખ્ય વક્તાપદે વલસાડની ગાંધી લાઈબ્રેરીમાં પુસ્તક પરબ સંસ્થા દ્વારા ‘‘પુસ્તકો આપણી રાહ જુએ છે’’ વિષય અંતર્ગત સાંધ્ય ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં વક્તા તરીકે સાહિત્યકાર ડો. મણિલાલ પટેલે જણાવ્યું કે, દુનિયામાં કોઈ પણ ભાષાના પુસ્તકોનો મહિમા હોય જ છે. આપણા હાથમાં જે પુસ્તક આવે તે પહેલાં અનેક માણસોને રોજગારી આપી હશે. પુસ્તકો માત્ર પુસ્તક તરીકે નહિ પણ ઘણી બધી રીતે સમાજ સાથે જોડાયેલા હોય છે. પહેલાના સમયમાં પુસ્તકોનો વિરોધ થયો હતો કારણ કે, પુસ્તકોથી લોકોમાં વૈચારિક ક્રાંતિ આવે છે. જેથી પુસ્તકોને ડામી દેવાનો પ્રયાસ થયો હતો. પુસ્તકની સત્તાનો જગતને ખ્યાલ છે. તલવાર કરતા પણ વધુ તાકાત પુસ્તકોમાં છે. પુસ્તકોની જરૂર દરેક લોકોને પડે છે પછી તે સંત, મહંત, પાદરી, મૌલવી કે નેતા અથવા અભિનેતા હોય. પુસ્તકો હંમેશા યોગ્ય વાચકની રાહ જુએ છે. જે આપણી લાગણી સાથે જોડાય, જે આપણી વાત કરતું હોય તે સાહિત્ય સૌને ગમે છે. પુસ્તકને સમજવાની ચાવી એના લેખકે પુસ્તકમાં જ મૂકી હોય છે.

પુસ્તકનો મહિમા શુ હોય છે એ વિષય પર વધુમાં ડો. પટેલે કહ્યું કે, પુસ્તકો વાંચવાથી બળ મળે છે. પુસ્તકો જીવન જીવતા શીખવાડે છે. પુસ્તકો સત્યનો માર્ગ બતાવે છે, આપણા જીવનનું ઘડતર છે. સહન કરતા શીખવે છે. દુનિયાનો પરિચય કરાવે છે. સમજણ આપે છે. પુસ્તકો દર્દની દવા આપે છે. આપણને સમૃદ્ધ બનાવે છે. પુસ્તકો આપણને માનવ મૂલ્યો એટલે સત્ય, પ્રેમ, સદાચાર, નીતિ અને શ્રધ્ધાનો પરિચય કરાવે છે. વિધિની વક્રતા અને કાળની કઠોરતાનો પરિચય પણ પુસ્તકો કરાવે છે. આ પ્રસંગે પુસ્તક પરબ સંસ્થાના સભ્ય દેવરાજ કરડાણીએ વાંસળી વાદન કરી જણાવ્યું કે, લેખક કદી મરતો નથી. તે સદૈવ જીવંત રહે છે. સ્વાગત પ્રવચન સંસ્થાના પ્રોજેક્ટ ચેરપર્સન ડો. આશાબેન ગોહિલે કર્યુ હતું. સંસ્થાના સભ્યો જયંતિભાઈ મિસ્ત્રી, હાર્દિક પટેલ, જગદીશ આહીર, અર્ચના ચૌહાણ સહિત સાહિત્ય પ્રેમીઓ,  વિવિધ સરકારી વિભાગના નિવૃત્ત અધિકારી- કર્મચારીઓ તેમજ શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button