
તા.૨૬/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
૧૧ અંગદાતાના પરિવારોને ધારાસભ્યશ્રી ઉદયભાઈ કાનગડના હસ્તે પુરસ્કૃત કરાયા: રાજકોટના ૧૦૬ લોકોએ અંગદાન કર્યું
Rajkot: રાજ્યવ્યાપી ‘આયુષ્માન ભવ’ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આયોજીત અંગદાન સંકલ્પ કાર્યકમનું આયોજન ધારાસભ્યશ્રી ઉદયભાઇ કાનગડના અધ્યક્ષસ્થાને અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ ખાતે થયું હતુ. જેમાં ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની વેબસાઈટમાં અંગદાનના સંકલ્પનું રજીસ્ટ્રેશન કરવા અંગે માહિતી અપાઈ હતી.

ધારાસભ્યશ્રી ઉદયભાઈ કાનગડે “અંગદાન થકી બીજાને જીવનદાન”ના સૂત્રને સાર્થક કરતા જણાવ્યું કે, દેશભરમાં ‘‘આયુષ્માન ભવ’’ અંતર્ગત અંગદાનને એક સંકલ્પ બનાવાયો છે. ભારતીય સંસ્કૃતિ મુજબ વ્યક્તિના જીવનનો આખરી ધ્યેય મોક્ષ મેળવવાનું હોય છે, તેવામાં મૃત્યુ પછી પણ બીજાને જીવન આપીને તે વ્યક્તિ અને તેના પરિવારજનોને મદદરૂપ થવું એ પુણ્યનું કામ છે. રાજકોટમાં ૧૦૬ લોકોના અંગદાન થકી જરૂરિયાતમંદ દર્દીઓને અંગ મળવાથી તેઓએ નવજીવન પ્રાપ્ત કર્યું છે.
અગ્રણીશ્રી મુકેશભાઈ દોશીએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, યુવાનીમાં રક્તદાન, મૃત્યુના અંતિમ સમયે ચક્ષુદાન અને મૃત્યુ બાદ અંગદાન એ સમાજને અપાતા મહાદાન છે. કાર્યકમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થયા બાદ મહાનુભાવોનું સ્વાગત પુષ્પગુચ્છથી કરાયું હતુ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકરે શાબ્દિક સ્વાગત કર્યું હતું.

આ કાર્યક્રમમાં મહાનુભાવોએ પાંચ અંગદાતા, બે ચક્ષુદાતા, બે ત્વચાદાન તથા બે દેહદાન કરનારા કુલ ૧૧ પરિવારોને પુરસ્કૃત કરીને બિરદાવ્યા હતા. તેમજ ૧૦ લોકોએ અંગદાનની પ્રતિજ્ઞા લીધી હતી. આ તકે તબીબ ડો. જયેશભાઈ ડોબરીયાએ પી.પી.ટી.ના માધ્યમથી અંગદાનના મહત્વ અંગે જાણકારી આપી હતી.

આ કાર્યકમમાં ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સાંસ્કૃતિક કમિટીના ચેરમેનશ્રી સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી કેતન પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી ટપુભાઈ લીંબાસીયા, આર.એમ.સી.ના નાયબ કમિશનર શ્રી અનિલ ધામેલીયા, અગ્રણી શ્રી ડો. માધવ દવે, શ્રી અશ્વિનભાઈ મોલીયા, શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, શ્રી લીલુબેન જાદવ, શ્રી કિશોરભાઈ રાઠોડ, શ્રી મનીષભાઈ રાડિયા, ઇમિટેશન એસોસીએશનના પ્રમુખશ્રી મનીષભાઈ વસોયા, સિલ્વર એસોસિએશનના પ્રમુખશ્રી અનિલભાઈ તળાવીયા, શ્રી વી.એમ.પટેલ, તબીબ ડો. દિવ્યેશ વિરોજા તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.








