20 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલા મગરવાડા ગામમાં શ્રી એમ. એમ. એલ. શાહ હાઇસ્કૂલમાં આચાર્યના પદે શ્રી રાજેશભાઈ વી. મહેતાની નિમણૂક થતાં તેમણે શાળામાં હાજર થઈને પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. શાળામાં નવનિયુક્ત આચાર્યના આગમનથી ખુશીનો માહૌલ સર્જાયો હતો. શ્રી માણિભદ્ર વીર મંદિરના ગાદીપતિ પ. પૂ. શ્રી વિજયસોમજી મહારાજસાહેબે રાજેશભાઈને આશીર્વચન આપ્યાં હતાં, જ્યારે શાળાના વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીઓએ નવા આચાર્યનું સ્વાગત કર્યું હતું. નવા આચાર્યને આવકારવાના આ પ્રસંગમાં સરપંચશ્રી, ગામના અન્ય અગ્રણીઓ ઉપરાંત કામરાજભાઈ ચૌધરી અને વીરાભાઇ પ્રજાપતિ પણ હાજર રહ્યા હતા. નવા આચાર્યનું પુષ્પગુચ્છથી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠામાં શિક્ષણના ક્ષેત્રે જાણીતા શ્રી નૈનેશભાઈ દવે, અમીતભાઈ વ્યાસ, પ્રવીણભાઈ ત્રિવેદી, દીપકભાઈ જોશી તેમજ તેજસભાઈ જોશીએ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહીને રાજેશભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના નિવૃત્ત આચાર્યશ્રી ગજાનનભાઈ જોષીએ પણ રાજેશભાઈના સુકાનમાં શાળા પ્રગતિ કરશે, એવી આશા વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજેશભાઈ આ અગાઉ પાંથાવાડા હાઈસ્કૂલમાં અંગ્રેજીના અધ્યાપનનો દીર્ઘ અનુભવ ધરાવે છે અને તેમના પિતા વસંતભાઈ મહેતા ગુજરાતી વિષયના તજજ્ઞ તરીકે નામના ધરાવે છે.



