
સોમનાથ તા. ૧૭
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના સમગ્ર દેશમાં ચાલુ કરવા માટે તબક્કાવાર આંદોલન કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ હતો. પ્રથમ તબક્કામાં ગત ૧૦ ઓગસ્ટના દિલ્હીના રામલીલા મેદાન ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો જેમાં દેશભરમાંથી શિક્ષકો ઉપરાંત અન્ય કર્મચારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી સંગઠન શક્તિનો પરચો બતાવ્યો હતો. બીજા તબક્કામાં દેશભરમાં જુદી જુદી ચાર જગ્યાએથી શિક્ષાયાત્રા કાઢવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં ગત ૫ સપ્ટેમ્બર શિક્ષક દિનથી આગામી ૫ ઓકટોબર વિશ્વ શિક્ષક દિન સુધીમાં ચાર ઝોનમાં જૂની પેન્શન યોજનાની માંગ સાથે શિક્ષયાત્રાઓ નીકળનાર છે. પહેલી શિક્ષાયાત્રા આસામના સિલગરથી, બીજી યાત્રા ગુજરાતના સોમનાથથી, ત્રીજી યાત્રા અટારી બોર્ડરથી અને ચોથી યાત્રા કન્યાકુમારી ખાતેથી શરૂ થઈ ચારેય યાત્રાઓ ૫ ઓકટોબરે દિલ્હી પહોંચશે.
આજે સોમનાથ ખાતેથી લીલી ઝંડી બતાવી શિક્ષાયાત્રા શરૂ થઈ હતી. “જૂની પેન્શન યોજના શરૂ કરો, નવી પેન્શન યોજના બંધ કરો” ના નારા સાથે કર્મચારીઓએ મેદાન ગજવ્યું હતું. સભાને વિવિધ જિલ્લાઓના હોદ્દેદારોએ સંબોધી હતી . પ્રમુખ સ્થાનેથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ શિક્ષાયાત્રા બાબતે સૌને અવગત કરી જ્યાં સુધી કેન્દ્ર સરકાર જૂની પેન્શન યોજના પુનઃ શરૂ નહીં કરે ત્યાં સુધી લડત જારી રહેશે . જરૂર પડે દેશ ભરમાં ચક્કા જામ સહિતના કાર્યક્રમો પણ આપવામાં આવશે તેવો હુંકાર કર્યો હતો. સોમનાથ થી શરૂ થયેલ આ શિક્ષાયાત્રા ગુજરાતના ૧૮ જિલ્લાઓમાંથી પસાર થઈ મહારાષ્ટ્ર પ્રવેશશે. ત્યારબાદ મહારાષ્ટ્ર થી મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા થઈ ૫ ઓકટોબરે દિલ્હી પહોંચશે. ગુજરાતમાં આ યાત્રા ૫ દિવસ જ્યારે બાકીના રાજ્યોમાં ૩ – ૩ દિવસ રથયાત્રા ફરશે. ગુજરાતમાંથી જે જે જિલ્લાઓમાંથી શિક્ષાયાત્રા નીકળશે તે જિલ્લાઓના શિક્ષકો અને અન્ય કર્મચારીઓ ઉપરાંત નજીકના જિલ્લાઓના કર્મચારીઓ પણ આ યાત્રામાં જોડાશે. આજે સોમનાથ ખાતે શિક્ષાયાત્રા સાથે બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા. સોમનાથ ખાતે નીકળેલ આ શિક્ષયાત્રામાં કચ્છ જિલ્લામાંથી પ્રમુખ નયનસિંહ જાડેજા, મંત્રી કેરણા આહિર, રાજ્યસંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા , મંત્રી વિલાસબા જાડેજા વગેરેની આગેવાનીમાં વિવિધ ઘટક સંઘના પ્રમુખ, મંત્રીઓ અરજણ ડાંગર, જીજ્ઞેશ પટેલ, લાલજી ઠક્કર, મહાદેવ કાગ, હરીભા સોઢા , જીતેન્દ્ર ઠક્કર, જટુભા રાઠોડ સહિતના હોદ્દેદારો ઉપરાંત અંદાજિત ૧૦૦ જેટલા શિક્ષકો જોડાયા હતા.






