
તા.૧૧/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
અદ્યતન લેબોરેટરી, મેડિકલ ઓફિસર, નર્સ સહિતની સુવિધાના લીધે દરરોજ ૧૫ ગામોમાંથી ૧૦૦ જેટલા દર્દીઓ કરાવે છે નિદાન
કમળાપુર પી.એચ.સી.માં આયુષ્માન કાર્ડની કામગીરી ૮૫ ટકા પૂર્ણ
જસદણ તાલુકાના કમળાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એપ્રિલ – ૨૦૨૩ થી તા. ૨૬-૦૮-૨૦૨૩ સુધી કુલ ૧૧૫ આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓએ સારવાર લીધી હતી. જેમાં સૌથી વધુ દર્દીઓ ન્યુમોનિયા, વાઇરલ ઇન્ફેકશનના હતા. મેડિકલેઇમની જેમ જ આયુષ્માન કાર્ડ ધરાવતા દાખલ થનારા દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળે છે. દરરોજ ૧૫ ગામોમાંથી નિદાન માટે આવતા આવતા ૧૦૦ જેટલા દર્દીઓ ઉપરાંત, અદ્યતન લેબોરેટરી, મેડિકલ ઓફિસર, નર્સ સહિતની સુવિધાના લીધે દર્દીઓને વોર્ડમાં એડમીટ કરી સારવાર અપાય છે.

કમળાપુરના પી.એચ.સી. ના મેડિકલ ઓફિસર ડો. ધવલ ગોસાઇ દ્વારા જરૂરીયાતમંદ દર્દીઓની જરૂરી લેબોરેટરી તપાસ કરી જરુરિયાત મુજબ દર્દીને વોર્ડમાં એડમીટ કરી વિના મૂલ્યે સારવાર કરવામાં આવે છે. સંબંધિત દર્દીનો આયુષ્માન કાર્ડ કલેઇમ પણ કરવામાં આવે છે. દર્દીના એડમીટ સંબંધીત તમામ કામગીરી સ્ટાફ નર્સ રામાણી દેવીકાબેન દ્વારા કરવામાં આવે છે.

આ પી.એચ.સી.માં આયુષ્માન કાર્ડની ૮૫ ટકા કામગીરી પૂર્ણ થઇ છે. જે માટે અગાઉ પી.એચ.સી.ના કાર્યક્ષેત્રમાં આવતા ૭ ગામોમાં અઠવાડીયામાં બે દિવસ કેમ્પ રાખવામા આવતા હતા. આયુષ્માન કાર્ડ ન ધરાવતા દર્દીઓને કમળાપુરના આયુષ્માન આરોગ્ય મિત્ર મેણીયા ભરતભાઇ દ્વારા તાત્કાલીક કાર્ડ કાઢી આપવાની કાર્યવાહી કરી દેવામાં આવે છે.
લોહીના ઓછા ટકાવાળી સગર્ભાઓને માટે પી.એચ.સી. કક્ષાએ આર્યન શુક્રોઝના ઇન્જેકશન પણ આપવામાં આવે છે. આશા બહેનો દ્વારા સગર્ભાની નોંધણી કરતી વખતે જ આયુષ્માન કાર્ડની માહિતી આપવામાં આવે છે. તેમજ તેમને કાર્ડ કાઢી આપવામાં તમામ પ્રકારની મદદ કરવામાં આવે છે જેથી આગળ જતાં સગર્ભાઓ ક્યાંય હેરાન ના થાય.

આયુષ્માન કાર્ડના ક્લેઇમની પ્રશંસનીય કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નિલેશ શાહ, જિલ્લા ક્વોલીટી મેડિકલ ઓફિસર ડો. પી.કે.સીંઘના માર્ગદર્શન તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – કમળાપુરના તમામ સ્ટાફ તેમજ ગામના આગેવાનના સહકારથી કરવામાં આવી રહી છે.








