
તા.૫/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
મંત્રીશ્રીઓ કુંવરજીભાઈ બાવળીયા સહિત મહાનુભાવોએ સ્ટોલની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું
ગુજરાત સરકારના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા આબોહવા પરિવર્તન વિભાગના મંત્રીશ્રી મૂળુભાઈ બેરાના વરદ હસ્તે રાજકોટનાં “રસરંગ લોકમેળા”માં આવેલા માહિતી વિભાગના સ્ટોલનો રીબીન કાપીને શુભારંભ કરાયો હતો. આ તકે મંત્રીશ્રી મૂળુભાઈ બેરા તથા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા સહિત મહાનુભાવોએ સ્ટોલની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.
મંત્રીશ્રીઓ તથા મહાનુભાવોને સંયુક્ત માહિતી નિયામકશ્રી મિતેશભાઇ મોડાસીયા, નાયબ માહિતી નિયામકશ્રી પ્રશાંતભાઈ ત્રિવેદી, સહાયક માહિતી નિયામકશ્રી સોનલબેન જોષીપુરા તથા શ્રી પ્રિયંકાબેન પરમાર અને પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટના કર્મચારીઓએ પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. સંયુક્ત માહિતી નિયામકશ્રી મિતેશભાઈ મોડાસિયાએ મંત્રીશ્રીને માહિતી ખાતાના સ્ટોલમાં આવરી લેવાયેલી રાજ્ય સરકારની તમામ યોજનાલક્ષી વિગતોથી વાકેફ કર્યા હતા.
ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની લોકોને માહિતી મળી રહે અને લોકો તેનો લાભ કયા પ્રકારે લઈ શકે, તે વિષે જાગૃત કરવા રાજય સરકારના માહિતી વિભાગ દ્વારા લોકમેળામાં માહિતીસભર સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં ખાસ ટુરીઝમ ટનલ દ્વારા રાજ્યના વિવિધ ફરવાલાયક સ્થળો જોઈ શકશે, સાથે જ શિક્ષણ, આરોગ્ય, પોષણ સહિત વિવિધ યોજનાઓ લગત માહિતી તેમને એક જ સ્થળ પરથી મળી રહેશે.
માહિતી ખાતાના સ્ટોલ પર ભારતની વૈશ્વિક સિદ્ધિ એવી ચંદ્રયાન-ત્રણનું ચંદ્રના સાઉથ પોલ પર ઉતરણ કરતી પ્રતિકૃતિ કે જેમાં લેન્ડર વિક્રમનું મોડેલ અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની આકૃતિ રાખવામાં આવી છે, તેને તાદ્રશ્ય કરતો ખાસ સેલ્ફી પોઇન્ટ બનાવાયો છે જે નાગરિકોમાં ખૂબ લોકપ્રિય બની રહ્યો છે. મંત્રીશ્રી મુળૂભાઈ બેરા તથા શ્રી કુંવરજીભાઈ બાવળીયા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ આ સેલ્ફી પોઇન્ટ પર સેલ્ફી પડાવી હતી.
મંત્રીશ્રીનું ઢોલ-નગારાના નાદ સાથે પુષ્પગુચ્છથી અભિવાદન કરાયું હતું.
આ તકે મેયરશ્રી ડો. પ્રદીપભાઈ ડવ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદર, જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોષી, શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, પૂર્વ ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ, અગ્રણીશ્રી રાજુ ભાર્ગવ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.