GUJARATJETPURRAJKOT

“હાલાજી તારા હાથ વખાણું ….કે પછી તારા પગડા વખાણું …..”ના શૌર્ય લોકગીત સાથેનો રાસ એટલે તલવાર રાસ

તા.૩/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

યુદ્ધ અને શુરવીરતા માટે જાણીતું મેર પ્રજાતિનું નૃત્ય-તલવાર રાસ

ભારતભરમાં થતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવતી ગુજરાતની કૃતિ તલવાર રાસ રાજકોટનાં ‘રસરંગ મેળા’માં લીલાભાઈ ગૃપ દ્વારા રજુ કરાશે. વૈદિક યુગમાં આપણા પૂર્વજો નાદ અને છંદનો ઉપયોગ દુશ્મનો ઉપર ધાક બેસાડવા, જોમ પ્રગટ કરવા, જુસ્સો પેદા કરવા અને તાકાત ટકાવી રાખવામાં કરતા હતા. નૃત્ય એ યુદ્ધની તાલીમ અને કુળના અભિમાનની રક્ષા કરવાનું અનિવાર્ય અંગ બની રહેતું હતું.

ઢાલ-તલવાર રાસ એ ક્ષત્રિયોની શૌર્યની પ્રણાલિકા અને યુદ્ધ નર્તનનું તાંડવ વ્યકત કરતું લડાયક ખમીરનું લોકનર્તન છે. હાલારના ક્ષત્રિયો, આહિરો એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ઢાલ લઈ પ્રખર જુસ્સા અને તાકાતથી ગોળાકાર રાસ ખેલતા હતા. આ રાસમાં ઓછામાં ઓછા ૧૨ અને વધુમાં વધુ ૧૬ કલાકારો ભાગ લે છે. આ રાસમાં ક્ષત્રિયોનું લડાયક ખમીર, ચપળતા, સ્ફૂર્તિ, શિસ્તબદ્ધતા અને મર્દાનગીભર્યું વ્યક્તિત્વ ઉપસી આવતું હતું. અને યુદ્ધનું અનોખું વાતાવરણ ઉભું થતું હતું.

સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં પુરુષો આજે પણ તલવાર રાસ રમે છે. જે મણિયારો રાસ, ઢાલ રાસ કે શૌર્ય રાસ તરીકે પણ ઓળખાય છે. ખાસ કરીને મેર સમાજ, ક્ષત્રિય રાજપૂત સમાજ પરંપરાગત રીતે નવરાત્રિમાં તલવાર રાસ રમે છે. જો કે તલવાર રાસ કે મણિયારો રાસ ગુજરાતના સીમાડા વટાવીને દેશ અને વિદેશોમાં પણ લોકપ્રિય બનેલો રાસ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button