
તા.૨/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
સાળંગપુર હનુમાનજી ભીંતચિત્ર વિવાદમાં એક બાજું સંતો આક્રોશ ઠાલવી રહ્યાં છે, તો બીજી બાજું હવે આ મામલે અમુક સંતો વિવાદિત ભીંતચિત્રો હટાવી સમાધાન કરવાનો મત વ્યક્ત કરી રહ્યાં છે. હવે આ મામલે પોસ્ટર વોર શરૂ થયું છે. રાજકોટ શહેરમાં ભુપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર બહાર કેટલાક યુવકોએ પોસ્ટરો સાથે રાખી સ્વામીનારાયણ સંપ્રદાયનો વિરોધ કર્યો હતો. આ પોસ્ટરમાં સહજાનંદ સ્વામી એટલે કે સ્વામીનારાયણ હનુમાજીના પગ દબાવતા એટલે કે સેવા કરતા દેખાડવામાં આવ્યાં છે.

સાળંગપુરમાં હનુમાનજીની ઉંચી પ્રતિમા નીચે બનાવવામાં આવેલા ભીંતચિત્રો અંગેનો વિવાદ વધતો જઈ રહ્યો છે. આ અંગે નર્મદા નદી કિનારે આવેલ આનંદ આશ્રય ધામ દિવ્ય શક્તિપીઠના સંત કૃપાલાનંદ સરસ્વતીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે સનાતન ધર્મમાં કોઈ પણ ભગવાનનું અપમાન ન થવું જોઈએ
સંત કૃપાલાનંદ સરસ્વતીએ કહ્યું કે દરેક સંપ્રદાયના લોકોએ એક બીજાને ઉંચા કે નીચા દેખાડવાનો પ્રયાસ ન કરવો જોઈએ. સનાતન ધર્મમાં માનનારાઓએ એક થઇ રહેવું જોઈએ. સાળંગપુરમાં હનુમાનજીને એક ચોક્કસ સંપ્રદાયના તિલક ચંદલા સાથે દાસ બતાવવામાં આવ્યા છે એ તદ્દન ખોટું છે અને અજુગતું પણ છે, કારણકે હનુમાનજીનું તિલક અને પ્રતિષ્ઠા ભગવાનની છે.
તેમણે કહ્યું કે આ ઘટનાથી વિધાર્મીઓમાં મેસેજ જાય છે કે હિંદુઓ અંદરો અંદર લડે છે. ત્રેતાયુગ, સતયુગ, તેમજ દ્વાપરયુગ થી હનુમાનજી સાક્ષાત છે, અને તે ચિરંજીવિ છે. ભગવાન શ્રીરામના એ દાસ છે, હનુમાનજી શિવજીનો એકાદશ રુદ્ર અવતાર છે.
આ લોકોએ એવો મેસેજ ન આપવો જોઈએ કે જેને અમે સંત માનીએ છે એમના હનુમાનજી દાદા દાસ છે. સનાતન ધર્મમાં કોઈ પણ ભગવાનનું અપમાન ન થવું જોઈએ. આ વિવાદથી વિધાર્મીઓ ખુશ થાય છે. આવા ભીંતચિત્રો હટાવી લેવા જોઈએ. આવનાર સમયમાં આવું કૃત્ય ફરીવાર ન થાય તેનું ધ્યાન રાખવું જઈએ.








