
હળવદના મેરૂપર ગામે સાળાની હત્યાના ગુનામાં બનેવી સહિત ત્રણ આરોપીની ધરપકડ

હળવદના મેરૂપર ગામે આવેલ યોગેશભાઈ હરજીવનભાઇ પટેલની વાડીએ રહીને મજુરી કરતા મૂળ મધ્યપ્રદેશના ચાંદપુર જિલ્લાના અલીરાજપુરના વતની દેવલાભાઈ નુરાભાઈ ચૌહાણ નામના આધેડની ગતરાત્રે પથ્થરના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી.મૃતકના પુત્ર નાનકાભાઈ દેવલાભાઈ ચૌહાણએ આરોપીઓ ભીખલીયાભાઈ લગસિંહ કાંકરિયા, ચંદુભાઈ જુબાટીયાભાઈ, છીતુંભાઇ જુબાટીયાભાઈ સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની વિગતો મુજબ મૃતક દેવલાભાઈ ચૌહાણ અને તેનો બનેવી બાજુ બાજુની વાડીમાં રહેતા હોય બાઇક અથડાવવા મુદ્દે બન્ને વચ્ચે માથાકૂટ થઈ હતી. મૃતકના પુત્રનું બાઇક આરોપી છીતુંભાઈ સાથે ભટકાયુ હતું.આથી આરોપી છીતુંભાઈએ બાઇકની નુક્શાનીના 500 રૂપિયા ફરિયાદી પાસે માંગતા ફરિયાદીએ પૈસા નહિ આપતા ફરિયાદીની ગેરહાજરીમાં આરોપીઓએ ઝઘડો કરી ફરિયાદીના પિતા દેવલભાઇને પથ્થરો મારીને હત્યા નિપજાવી હતી. પોલીસે આ ત્રણેય હત્યારાઓની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.








