
બુકારેસ્ટઃ દક્ષિણ રોમાનિયાના ક્રેવેડિયા શહેરમાં એલપીજી સ્ટેશન પર થયેલા બે વિસ્ફોટોમાં એક વ્યક્તિનું મોત થયું હતું. તે જ સમયે 57 લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટમાં ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે, અને તેમની હાલત ઘણી નાજુક છે. તેઓને સારી સારવાર માટે હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા છે. રોમાનિયાના ગૃહ મંત્રાલય (MAI) અનુસાર, ઘાયલોમાં 39 અગ્નિશામકો અને બે પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ વિસ્ફોટ બાદ આસપાસના વિસ્તારોમાંથી લગભગ 3000 લોકોને દૂર કરવામાં આવ્યા છે.
રોમાનિયાના સત્તાવાર અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઘટના સ્થળે બે વિસ્ફોટ થયા હતા, જેમાં એલપીજી સ્ટેશનનો સ્ટાફ અત્યંત જ્વલનશીલ ઈંધણને એક ટેન્કર ટ્રકમાંથી બીજી ટ્રકમાં ટ્રાન્સફર કરી રહ્યો હતો ત્યારે પ્રથમ બનાવ બન્યો હતો. તે સમયે, એલપીજી સ્ટેશન પર 10,000 લિટર એલપીજી વહન કરતી છ ટેન્કર ટ્રકો હાજર હતી. પ્રથમ વિસ્ફોટ બાદ અનેક ફાયર ફાઈટર બચાવ કામગીરીમાં રોકાયેલા હતા. ત્યારબાદ બીજો વિસ્ફોટ થયો હતો. જેમાં અનેક ફાયર ફાઈટર ઘાયલ થયા હતા. એવું માનવામાં આવે છે કે બીજો બ્લાસ્ટ ત્યાં ઉભેલા અન્ય ટેન્કરમાં થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મોડી સાંજે આ વિસ્ફોટ ઘટનાસ્થળથી 22 કિમી દૂર રાજધાની બુકારેસ્ટથી પણ જોવા મળ્યો હતો.
ઇમરજન્સી સિચ્યુએશન્સ ડિપાર્ટમેન્ટ (DSU) ના વડા રાયદ અરાફાતે રવિવારે જણાવ્યું હતું કે એલપીજી સ્ટેશનની માલિકી ધરાવતી કંપની પાસે ઓપરેટિંગ પરમિટ નથી અને ફ્યુઅલ સ્ટેશન 2020 માં બંધ કરવામાં આવ્યું હતું. મીડિયા અહેવાલો અનુસાર ગેસ સ્ટેશનની માલિકીની કંપની સોશિયલ ડેમોક્રેટ (PSD) રાજકારણી દ્વારા નિયંત્રિત છે. આ દુર્ઘટના બાદ વડા પ્રધાન અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના વડા, માર્સેલ સિઓલાકુએ બુકારેસ્ટની હોસ્પિટલમાં પીડિતોની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે તેમની પ્રાથમિકતા શક્ય તેટલા વધુ લોકોના જીવન બચાવવાની છે. તેમણે કહ્યું કે આ દુર્ઘટનામાં જે પણ દોષિત હશે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.










