
ગુજરાત સહિત દેશમાં પીજી મેડિકલના 27 ટકા વિદ્યાર્થીઓને સ્ટાઇપન્ડ ચૂકવાયું નહીં હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
મળતી માહિતી મુજબ તાજેતરમાં જ એનએમસી (નેશનલ મેડિકલ કમિશન) દ્વારા ગુજરાત સહિત દેશનાં 19 રાજ્ય અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં પીજી મેડિકલના વિદ્યાર્થીઓનો સર્વે કરાયો હતો. જેમાં કેટલા વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન શૈક્ષણિક સંસ્થા દ્વારા સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે કે કેમ તે પૂછવામાં આવ્યું હતું. આ સર્વે દરમિયાન કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જે અનુસાર કુલ 10,178 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો જેમાંથી 7901 વિદ્યાર્થીના જવાબનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. સર્વે દરમિયાન નેશનલ મેડિકલ કમિશનને જાણવા મળ્યું કે ગુજરાત સહિત દેશમાં 27 ટકા વિદ્યાર્થીઓને સ્ટાઇપન્ડ મળતું જ નથી, 54 ટકા વિદ્યાર્થીઓને સરકારી મેડિકલ કોલેજ જેટલું પણ સ્ટાઇપન્ડ મળતું નથી જ્યારે 15 ટકા વિદ્યાર્થીઓ પાસેથી સ્ટાઇપન્ડ આપીને પાછું લઇ લેવામાં આવતું હોવાનું બહાર આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
હાલમાં જ નેશનલ મેડિકલ કમિશન દ્વારા ગુજરાત સહિતનાં 19 રાજ્ય અને બે કેન્દ્રશાસિત પ્રદેશની 213 પીજી મેડિકલ કોલેજના 10 હજારથી વધુ વિદ્યાર્થીઓનો સ્ટાઈપન્ડ અંગે સર્વે કરવામાં આવ્યો હતો અને જે તપાસમાં 8 હજાર વિદ્યાર્થીએ સ્ટાઈપન્ડ ન મળતું હોવાની કે અપૂરતું મળતું હોવાની ફરિયાદ કરી છે. નેશનલ મેડિકલ કમિશન દ્વારા દેશમાં આવેલી ખાનગી મેડિકલ કોલેજોમાં એમબીબીએસના વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપ સ્ટાઈપન્ડ અને પીજીના વિદ્યાર્થીઓને ભણવા સાથેનું સ્ટાઈપન્ડ અપાય છે કે નહીં તે મુદ્દે ઓનલાઈન સર્વે કરવામાં આવ્યો હતો.
હજારોની સંખ્યામાં કમિશનને મળેલી ફરિયાદોને લઈને કમિશને કડક આદેશ કર્યો છે અને ખાનગી મેડિકલ કોલેજોને નોટિસ આપતા જણાવ્યું છે કે મેડિકલ એજ્યુકેશનના રેગ્યુલેશન્સ મુજબ ફરજિયાત સ્ટાઈપન્ડ આપવું પડશે. જે ખાનગી મેડિકલ કોલેજ સ્ટાઈપન્ડ નહીં આપે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
