
તા.૨૫/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
પ્રાંત અધિકારીશ્રી રાજેશ આલના અધ્યક્ષસ્થા જેતપુરમાં બેઠક યોજાઇ
રાજ્ય સરકારના આત્મા,ખેતીવાડી અને બાગાયત વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે અને તેઓની ખેત પેદાશ તાલુકા કક્ષાએ વેંચી શકે તે માટે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા)-રાજકોટ દ્વારા ખેડૂતોને યોગ્ય માધ્યમ મળી રહે તે માટે જેતપુરમાં શનિવારથી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્ર શરૂ થવા જઈ રહ્યું છે, જેના સુચારૂ આયોજન અન્વયે પ્રાંત અધિકારીશ્રી રાજેશ આલના અધ્યક્ષસ્થાને જેતપુર તાલુકા સેવા સદન ખાતે બેઠક મળી હતી.

પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને પ્રોત્સાહિત કરવા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા રાજ્યભરમાં અનેકવિધ પહેલો હાથ ધરવામાં આવી છે ત્યારે પ્રાકૃતિક કૃષિનાં ઉત્પાદનના વેચાણને વેગવાન બનાવવા જેતપુર શહેરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડની દીવાલ પાસે, ફૂટપાથ ઉપર, ખોડલ હોટલ સામે, જુનાગઢ રોડ, જેતપુર ખાતે સવારે ૮ કલાકથી વેચાણ કેન્દ્ર શરૂ કરવાના આયોજન સંબધિત જરૂરી ચર્ચાઓ આ બેઠકમાં કરવામાં આવી હતી.
પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી પકાવેલ કઠોળ, તેલીબિયાં, ફળો, શાકભાજી અને મૂલ્યવર્ધિત ખેત પેદાશોનું ખરીદ – વેચાણ આ કેન્દ્રો ઉપર દર રવિવારે કરી શકાશે. બેનરો, જાહેરાતો, પેમ્પલેટ અને સોશિયલ મીડિયાના માધ્યમ થકી લોકોને “પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્ર” વિશે માહિતગાર કરવા સુચારૂ પ્રચાર પ્રસાર ઉપર ભાર મુકી સંબંધિત વિભાગનાં તમામ અધિકારીઓને જે તે વિભાગના કર્મચારીઓ દ્વારા જાહેર જનતા સુધી માહિતી મળે તે માટે બનતા તમામ પ્રયાસો કરવા પ્રાંત અધિકારીશ્રી રાજેશ આલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જેતપુર મામલતદારશ્રી ડી.એ.ગીનીયા, મદદનીશ ખેતી નિયામકની કચેરી – જેતપુરના અધિકારીશ્રીઓ, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર, વિસ્તરણ અધિકારી, કલસ્ટર અધિકારીશ્રી, સીટી પોલીસ ઇન્સપેક્ટરશ્રી, નગરપાલિકાના અધિકારીશ્રી, આરોગ્ય અધિકારીશ્રીઓ, પી.જી.વી.સી.એલ.ના અધિકારીશ્રીઓ સહિત સંબધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.








