GUJARATJETPURRAJKOT

રાજકોટમાં પોલીસ વિભાગના સહયોગથી નેપાળની તરુણીનું પરિવાર સાથે મિલન કરાવ્યું

તા.૨૪/૮/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત નારી સંરક્ષણ ગૃહમાં નિરાધાર અને ઘરેલુ હિંસાનો ભોગ બનેલી પીડિતાઓને આશ્રય આપવામાં આવે છે તેમજ આશ્રિત મહિલાઓની સમાજમાં પુન: સ્થાપના માટે પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે રાજકોટમાં નારી સંરક્ષણ ગૃહે પોલીસ વિભાગના સહયોગથી નેપાળની તરુણીનું પરિવાર સાથે મિલન કરાવી પ્રસંશનીય કામગીરી કરી હતી.

નેપાળથી થોડા મહિનાઓ પૂર્વે ૧૭ વર્ષની છોકરી ગુમ થઈ ગઈ હતી. તેના પરિવારના સભ્યો દ્વારા સોશિયલ મીડિયામાં એક વિડીઓ દ્વારા અપીલ કરવામાં આવેલી કે અમારી દીકરીને આધેડ વયનો શખ્સ ઘરેથી ભગાડી લઈ ગયો છે. કોઈના ધ્યાનમાં આવે તો અમને જાણ કરવી. તે વ્યક્તિ આ તરુણીને નેપાળથી ભગાડી રાજકોટ શહેર ખાતે આવ્યો હતો પરંતુ સોશીયલ મીડિયામાં વિડીયો જોતા, બીકના માર્યા તરુણીને તરછોડીને નાસી ગયો હતો.

કુવાડવા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આ તરુણીને આશરો આપવા સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સમાં મૂકવામાં આવી હતી. ત્યાં તરુણીને ૧૮ વર્ષ પૂર્ણ થતા નારી સંરક્ષણ ગૃહમાં રીફર કરવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી અવનીબેન દવેના માર્ગદર્શન મુજબ નારી સંરક્ષણ ગૃહના સંચાલકશ્રી ગીતાબેન ચાવડા દ્વારા તરુણીના વતન વિશે જાણવાના પ્રયત્ન કરવામાં આવતા હતા. જ્યારે પણ તેને પૂછવામાં આવતું કે “તમે ક્યાંના છો?” તો તરુણી દ્વારા એક જ જવાબ આપવામાં આવતો કે “મૈ પહાડ કી હું” અને રડવા લાગતી હતી. વધારે કંઈ બોલતી અને સમજતી ન હતી. શ્રી ગીતાબેન ચાવડા દ્વારા તરુણીનું કાઉન્સિલિંગ કરી, તેના વતન વિશે જાણકારી મેળવવા અયોધ્યા ચોકની આજુબાજુ તથા અન્ય જગ્યાએ રહેતા નેપાળી લોકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ ફળદાયક હકીકત મળી નહીં.

નારી સંરક્ષણ ગૃહ ખાતે નારી વંદન ઉત્સવની ઉજવણીમાં પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ભાર્ગવસિંહ ઝણકાટના અધ્યક્ષસ્થાને મહિલાલક્ષી જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ બાદ નેપાળી તરુણી બાબતે જાણ થતા, તેને સહાય કરવાના હેતુસર પી.આઇ. ભાર્ગવસિંહ ઝણકાટ દ્વારા શહેરની રેસ્ટોરન્ટસના મેનેજરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. એક હોટલના મેનેજરશ્રી ઝલકભાઈ પોપટે મદદ કરતા એક નેપાળી બહેન તથા એક ભાઈ એ નારી સંરક્ષણ ગૃહમાં આવીને તરુણી સાથે વાતચીત કરી પણ આ પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો હતો. ત્યારબાદ હોટલના સ્ટાફના સૂચનથી પ્રવાસી નેપાળી સંઘ ભારતના મહિલા આગેવાનને બોલાવી, તેના દ્વારા કાઉન્સિલિંગ કરતા તરુણી તથા વતનના નામ વિશે માહિતી મળી હતી.

પ્રવાસી નેપાળી સંઘ ભારતે નેપાળ તથા ભારતમાં આવેલા તમામ નેપાળી યુનિયનમાં તરુણીનું નામ અને ફોટોગ્રાફ મોકલ્યા હતા. આખરે આ પ્રયાસમાં સફળતા મળી અને જાણવા મળ્યું કે તરુણીના કાકા પુણે ખાતે નોકરી કરે છે. તેમની સાથે વીડિયો કોલમાં વાતચીત કરતા તરુણીના માતા-પિતાનો પણ સંપર્ક નંબર મળતા તેમની સાથે વાતચીત થઈ હતી. નારી સંરક્ષણ ગૃહ દ્વારા તરુણીના પરિવાર અંગે તમામ ખરાઈ કરાયા બાદ પુણેથી તરુણીના કાકાને રાજકોટ બોલાવવામાં આવ્યા હતા.

ગત તા. ૨૩ના રોજ નારી સંરક્ષણ ગૃહ ખાતે પી.આઇ. ભાર્ગવસિંહ ઝણકાટ તથા ગૃહના સંચાલકશ્રી ગીતાબેન ચાવડાની પ્રેરક ઉપસ્થિતિમાં તરુણી તેના કાકાને સોંપવામાં આવી હતી. તરુણીનું પરિવારજન સાથે મિલન થતા ભાવનાત્મક વાતાવરણ સર્જાયું હતું. ઉલ્લેખનીય છે કે તરુણી નારી સંરક્ષણ ગૃહમાં લગભગ ત્રણ મહિના જેટલા સમયથી રહેતી હતી. આથી, તરુણીને આશરો આપવા તથા સલામત રાખવા માટે પરિજનોએ સરકારી તંત્રનો આભાર માન્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button