તા.૨૩/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
ગોંડલ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે જવાબદારો સામે એફ.આઈ.આર. દાખલ:ત્રણ આંગણવાડી કાર્યકરની તાત્કાલિક અસરથી માનદ સેવા સમાપ્ત કરાઇ
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના અનીડા ગામમાં આંગણવાડી કેન્દ્ર નં-૧-૨-૩માં બાળ વિકાસ યોજના અધિકારીની તા.૧૮/૦૮/૨૩ ની મુલાકાત દરમિયાન આ કેન્દ્રના કાર્યકર બહેનો દ્વારા ટેક હોમ રાશન વિતરણમાં આચરવામાં આવતી ગેરરીતિ ધ્યાને આવી હતી. આ અંગે વધુ ચકાસણી કરતા સરકારશ્રી દ્વારા લાભાર્થીને દર માસે આપવામાં આવતા THR(ટેક હોમ રેશન)નો ઑગસ્ટ માસનો જથ્થો લાભાર્થીને ન મળ્યો હોવાની સી.ડી.પી.ઓ.શ્રીને શંકા જતા આ અંગે લાભાર્થીની મુલાકાત કરતા ચાલુ માસનો THRનો જથ્થો મળેલ નથી, તેવું લાભાર્થી તરફથી જાણવા મળ્યુ હતું. તેમજ અનીડા આંગણવાડી કેન્દ્ર નં.૧-૨-૩ ના ટી.એચ.આર. વિતરણ રજીસ્ટર તપાસતા તેમાં લાભાર્થીની ખોટી સહીઓ થયેલ જોવા મળી હતી.
સી.ડી.પી.ઓ.શ્રી દ્વારા ત્રણેય કાર્યકર બહેનોની ઊંડાણપુર્વક પુછપરછ કરતા ત્રણેય કાર્યકર બહેનો દ્વારા જથ્થો વિતરણ કરવાના બદલે બારોબર વહેચી નાખવામાં આવ્યો હોવાની અને લાભાર્થીની ખોટી સહી કરાવી હોવાનું કબુલ કરેલ છે, આ અંગે ત્રણેય કેન્દ્રના કાર્યકર બહેનો દ્વારા લેખિત કબુલાત પણ કરવામાં આવી છે. આ બાબતની જાણ પોગ્રામ ઓફિસરશ્રીને કરતા તેમણે જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરી હતી. અને તાત્કાલિક કડક પગલા લેવા અને પોલીસ ફરિયાદ કરવા અંગે સુચના આપવામાં આવી હતી. જે સંદર્ભે તા.૧૯/૦૮/ર૦ર૩ ના રોજ ગોડલ ગ્રામ્ય પોલીસ સ્ટેસન પર ગોંડલ ઘટક-ર સી.ડી.પી.ઓ દ્વારા જવાબદારો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. THR નો જથ્થો કેન્દ્ર સુધી પહોચાડનાર રીક્ષા ચાલક વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સમગ્ર પ્રકરણમાં જવાબદાર આંગણવાડી કાર્યકર (૧) શ્રી મજુલાબેન મનોજભાઈ ભગરીયા (કેન્દ્ર ન-1) (ર) શ્રી રચનાબેન રઘુભાઈ પરમાર (કેન્દ્ર નં-ર) અને (૩) શ્રી વર્ષાબેન છગનભાઈ રાઠોડ (કેન્દ્ર નં-૩) ની તાત્કાલિક અસરથી માનદ સેવા સમાપ્ત કરવામાં આવી છે. સરકારી યોજનાઓ મારફત અપાતો લાભ યોગ્ય લાભાર્થીઓ સુધી પહોચે તે માટે રાજકોટ જિલ્લા પંચાયત કટિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ આવી કોઈ ગેરરીતિ ચલાવી લેવામાં નહિ આવે તેવી સુચના જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી દ્વારા તમામ સ્તરે આપવામાં આવી છે.








