પડતર માંગણીઓ માટે સરકારની ઉંઘ ઉડાડવા શિક્ષકો અને બિન શૈક્ષણિક સ્ટાફ 24મી સુધી કાળા વસ્ત્રો પહેરશે

ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓની લડતને વધુ ઉગ્ર બનાવાશે
વાત્સલ્યમ્ સમાચાર
ગાંધીનગર : ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળઆઓના શિક્ષકો અને બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા તેમની પડતર માંગણીઓને લઇને સરકારની ઉંઘ ઉડાડવા માટે આંદોલનનો આશરો લેવામાં આવ્યો છે. તેના અંતર્ગત આગામી તારીખ ૨૪મી સુધી શિક્ષકો અને બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા કાળા વસ્ત્રો પહેરીને ફરજ બજાવવામાં આવશે. કાયમી ભરતી અને રજાનું રોકડમાં રૃપાંતર સહિતના મુદ્દેની લડતને વધુ ઉગ્ર બનાવવાનું મન બનાવી લેવાયું છે.
સમસ્ત રાજ્યમાં શિક્ષકો અને બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા વરોધ લડતના મંડાણ કરી દેવામાં આવ્યા છે. તેના અંતર્ગત તાલુકા અને જિલ્લા કક્ષાએ આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યા છે. ત્રણ-ત્રણ વર્ષથી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ દ્વારા કર્મચારીની નિવૃતિ સમયે અથવા અવસાનના કિસ્સામાં ૩૦૦ રજાનું રોકડમાં રૃપાંતર આપવા, શાળાઓમાં વિષયવાર શિક્ષકોની કાયમી ભરતી કરવા, બિન શૈક્ષણિક સ્ટાફની નવી ભરતી કરવામાં આવે તેના પહેલા જુના કર્મચારીઓને બઢતી આપવી, સાતમા પગાર પંચ અંતર્ગત તફાવતની રકમનો પાંચમો હપ્તોે સત્વરે આપવામાં આવે તેના સહિતની વિવિધ નવ માંગણીઓને લઇને સરકાર તથા શિક્ષણ વિભાગ દ્વારા કોઇ જ નિર્ણય લેવામાં આવી રહ્યો નથી.
શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આ સંજોગોમાં ગાંધીનગર જિલ્લાના તમામ કર્મચારી મિત્રોને જણાવાયું છે, કે તારીખ ૨૪મી ઓગસ્ટ સુધી તમામ ગ્રાન્ટેડ શાળાઓના તમામ કર્મચારીઓએ કાળા કપડાં પહેરીને જ શાળાએ જવાનું છે. રાજ્ય સંકલન સમિતિના આદેશ મુજબ સાથ સહકાર આપીને આ નવા તબક્કામાં એકતા બતાવીને સંગઠનની તાકાત સરકારને બતાવીશુ તો જ આપણી માંગણીઓ સંતોષાશે આપણે આપણો હક જોઈતો હોય તો સમયનો ભોગ આપવો પડશે. ત્યારે તારીખ ૨૪મી સુધી કાળા વસ્ત્રોે ધારણ કરીને બ્લેક વિક ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.










