
તા.૧૮/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે રાજકોટ મંદિર રજત જયંતી વર્ષ ઉપક્રમે ભારતના ૭૭માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના પર્વે વડાપ્રધાનશ્રીના આદેશ અનુસાર હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર મંદિર પરિસરને ત્રિરંગા ધ્વજથી સુશોભિત કરવામાં આવ્યું હતું.

૧૫ મી ઓગસ્ટના દિને વહેલી સવારે મંદિર પરિસરમાં સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી અને પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો અને ત્યારબાદ ઉપસ્થિત તમામ સંતો અને હરિભક્તો રાષ્ટ્રગાન અને વંદેમાતરમ્ ગાનમાં જોડાયા હતા.

સ્વાતંત્ર્ય દિને પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ ઉપસ્થિત તમામને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ‘આજે ખૂબ આનંદની વાત છે કે ભારત દેશની આઝાદીને ૭૭ વર્ષ પૂર્ણ થયા છે. ખાસ તો આપણા પૂર્વજો, બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓ અને નાયકો જેમણે આઝાદી માટે પુરુષાર્થ કરેલો એ બધાને પણ આપણે યાદ કરીએ. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે પણ પોતાનું સમગ્ર જીવન હિન્દુસ્તાનનું ગૌરવ વધે, આપણી સંસ્કૃતિ અને સંસ્કારો વધે એ માટે સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરી પ્રચાર કરેલો છે એમને પણ યાદ કરીએ. હરઘર તિરંગા અભિયાન અંતર્ગત આપણે સૌ આપણા ઘરે તિરંગો ફરકાવીએ કારણ કે તિરંગો એ આપણો રાષ્ટ્ર ધ્વજ છે અને હિન્દુસ્તાનનું ગૌરવ છે. આપણા દેશની સંસ્કૃતિ, આપણા સંસ્કારો, આપણા મુલ્યોનું પણ પ્રતિક છે. આપણે સૌ પણ આપના હૃદયની અંદર અમૃત મહોત્સવની ભાવનાને વધારે દ્રઢાવીએ.’
અંતમાં પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ પ્રધાનમંત્રી દ્વારા દેશભરમાં ચલાવવામાં આવેલ ‘મેરી મિટ્ટી મેરા દેશ’ ઝુંબેશ અંતર્ગત તમામ ભક્તોને વૃક્ષારોપણ માટે અને દરેક છોડમાં રણછોડની ભાવના જાગૃત કરી તેના જતન અને સંવર્ધન માટે પ્રેરણા આપી હતી.








