નેત્રંગ ખાતે વીરોને સમર્પિત શિલાફલકમનું લોકાર્પણ, અમૃતવાટિકામાં વૃક્ષારોપણ સહિતનો કાર્યક્રમ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો


બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
“આઝાદી કા અમૃત મહોત્સવ”ની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા આજથી શરૂ કરી આગામી ૩૧ ઓગષ્ટ સુધી સમગ્ર દેશમાં “મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરી વીરોને સમર્પિત જુદા જુદા કાર્યક્રમો યોજાશે ત્યારે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં દેશના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે જુદા જુદા કાર્યક્રમો યોજાયા હતા.
જેમાં વીર શહીદોને નમન સાથે અંજલિ અર્પણ કરીને ‘‘શિલાફલકમ’’નું મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ‘‘શિલાફલકમ’’ના લોકાર્પણ બાદ ‘‘વસુધા વંદન’’ કાર્યક્રમ હેઠળ અમૃત વાટિકામાં ૭૫ જેટલા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અમૃતકળશમાં ગામની માટીને એકત્ર કરી દીપ પ્રજવલિત કર્યા બાદ ‘‘પંચપ્રાણ પ્રતિજ્ઞા’’ લેવામાં આવી હતી. ગામજનોએ પ્રજવલ્લિત દીપ સાથે સેલ્ફી લઈ દેશના વીર સપૂતોને યાદ કર્યા હતા.
આ પ્રસંગે નેત્રંગના રહેવાસી માજી સૈનિક વિજયભાઈ કુંવરજીભાઈ વસાવા તથા પોલીસ ઈન્સપેકટર સ્વ.મણીલાલ વસાવાને મંત્રીએ તેમના દેશસેવાના અદ્ભભુત પ્રદાન બદલ સન્માનીત કરાયા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી ,જિલ્લા અગ્રણી મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, તથા તાલુકા પંચાયત પ્રમુખ રીનાબેન વસાવા, લીલાબેન વસાવા, સેવંતુભાઈ વસાવા, નેત્રંગ ગ્રામ પંચાયત સરપંચ સહિત પદાધિકારીઓ,અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.








