GUJARATMORBI

આશાવર્કર બહેનો એવા સૈનિકો છે જે ડોર ટુ ડોર જઈને દેશની નારીના આરોગ્યની સંભાળ રાખે છે

આશાવર્કર બહેનો એવા સૈનિકો છે જે ડોર ટુ ડોર જઈને દેશની નારીના આરોગ્યની સંભાળ રાખે છે

“નારીને ના ધિકારીએ, નારી પારસમણી સમાન

નારી વિના કોઈ ના ઉપજે, ભલે હોય તે ભગવાન.”

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષ સ્થાને ‘નારી વંદન સપ્તાહ’ નિમિત્તે આજે તા. ૭ ઓગસ્ટના ‘મહિલા અને બાળ આરોગ્ય દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે, “મહિલા અને બાળ આરોગ્ય માટે સતત કામ કરતી આશાવર્કર બહેનોથી દરેક સમુદાય, સમાજ અને સરકારને ઘણી આશા છે, જેના કારણે જ તેમનું નામ આશાવર્કર રાખ્યું છે. સરકારે મહિલા અને બાળકોના આરોગ્યને ધ્યાનમાં લઈને આશાવર્કરની જગ્યા જ ઉભી કરી જે ડોર ટુ ડોર જઈને મહિલા અને બાળકોને શિક્ષણ અને આરોગ્યની સમજ આપે છે. જેથી કોઈ કુટુંબ શિક્ષણ અને આરોગ્યથી વંચિત ન રહે, કારણ કે કુટુંબ મળીને રાજ્ય અને રાજ્ય મળીને દેશ બને છે.”

કલેકટરશ્રી જી.ટી. પંડ્યાએ આશાબહેનોની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “આશાવર્કર બહેનો જે કામ કરે છે તેના માટે તેને સન્માનિત તો કરવા જ જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે જ્યારે સમગ્ર દેશમાં રસીકરણ ચાલી રહ્યું છે, ત્યારે એવા લોકો, સમુદાય કે બાળકોના માતા-પિતા કે જેઓ આ રસીકરણથી અજાણ છે કે બાળકોને રસી અપાવવા સહમત નથી, તેમની સાથે સંપર્ક કરી, મળીને , મનાવીને યોગ્ય વયના બાળકોનું રસીકરણ કરાવી આપણે આપણા જિલ્લાને ઉચ્ચ ક્રમાંકમાં લાવવા માટે અનુરોધ કર્યો હતો.”

આ પ્રસંગે પ્રોટેકશન ઓફિસરશ્રી નિલેશ્વરીબા ગોહિલે જણાવ્યું હતું કે “એક મહિલા પરીવારની સાર-સંભાળ રાખવામાં પોતાની ઉંમર જ જોતી નથી. આજે ૩૦ વર્ષ પાર કરનાર દરેક સ્ત્રીને કેલ્શિયમ અને આયર્નની ખુબ જરૂર પડે છે પરંતુ તે પોતાના આરોગ્યની અવગણના કરે છે. આવી નારીઓ માટે આશાવર્કર બહેનો એ એવા સૈનિકો છે જે ડોર ટુ ડોર જઈને દેશની નારીના આરોગ્યની સંભાળ રાખી રહી છે.”

આઈ.સી.ડી.એસ.પ્રોગ્રામ અધિકારીશ્રી ડૉ. ડિ.વી.બાવરવા એ જણાવ્યું કે “આશાવર્કર બહેનોની કામગીરી સરાહનીય છે એક સમયે બાળક જન્મે એટલે ૩-૪ દિવસ પછી માતાનું દૂધ પીવડાવતા પરંતુ આજે આશા બહેનોના પ્રયત્નથી જન્મ્યાના થોડાક કલાકમાં જ માતાનું દૂધ બાળકને પીવડાવવામાં આવે છે. ઉપરાંત આજે મોટા ભાગની ડિલીવરી હોસ્પિટલ, પી.એચ.સી., આરોગ્યકેન્દ્ર, સંસ્થામાં થાય છે. જેનો શ્રેય પણ આશાવર્કર બહેનોના ખાતે જ જાય છે. કારણ કે તેણે ઘરે ઘરે જઈને લોકોને તેના વિશે માહિતગાર કર્યા અને સમજાવ્યું ઇમરજન્સીમાં ઘર કરતા હોસ્પિટલ, પી.એચ.સી., આરોગ્યકેન્દ્રમાં ત્વરીત કામગીરી હાથ ધરી શકાય છે.”

‘મહિલા અને બાળ આરોગ્ય દિવસ’ના ઉજવણી કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યા, મોરબી જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી સરોજબેન ડાંગરોચા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી કવિતાબેન દવે, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ અધિકારીશ્રી ડૉ. ડિ.વી. બાવરવા સહિત અધિકારીશ્રીઓ અને આશાવર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના અંતે એવી આશાવર્કર બહેનો કે જ્યાં વાહન પણ ન પહોંચી શકતું હોય તેવા અંતરિયાળ ગામોમાં પહોંચીને ફરજ બજાવતી અને ડીલીવરી કરાવી હોય તેવા બહેનોને સન્માનિત કરી પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button