
તા.૫/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ. ૭૪ મા જિલ્લા કક્ષાના વન મહોત્સવ-૨૦૨૩ ની ઉજવણી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને સમરસ ગર્લ્સ હોસ્ટેલ, રાજકોટ ખાતે કરવામાં આવી હતી. મંત્રીશ્રીના હસ્તે કેરાળેશ્વર મહાદેવ મંદિર ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રૂ. ૧૦ લાખના ખર્ચે બનાવવામાં આવેલા ‘પવિત્ર વન’ તથા જસદણ તાલુકાના પારેવડા ગામ ખાતે રૂ. ૩૦ લાખના ખર્ચે બનાવવામાં આવેલા ‘પંચવટી કેન્દ્ર’ નું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

આ તકે મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે, આપણા વડીલોએ આપણને વૃક્ષોની પૂજા કરીને પ્રકૃતિનું સરક્ષણ અને સંવર્ધન કરવાનું શીખવ્યું છે. આ જ સંદર્ભમાં રાજયસરકાર વન મહોત્સવ મનાવે છે જેના થકી સરકાર વૃક્ષોની જાળવણી તેનો ઉછેર, સંરક્ષણ અને સંવર્ધન કરવાનો હેતુ પરિપૂર્ણ થાય છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સરકારે ‘વન મહોત્સવ’ ની ઉજવણી શરૂ કરી હતી અને તેને આગળ ધપાવીને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘વન કવચ’નું ઉદ્ઘાટન કર્યું છે, જેથી લોક ભાગીદારી વડે વૃક્ષો અને પ્રકૃતિની જાળવણી થઇ શકે છે. આપણે એક વૃક્ષ વાવીએ જેથી આપણી આવનારી પેઢીને ઠંડો છાંયડો, ફળ અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે. કેવડિયા ખાતે જેમ મિયાવાકી જંગલ વિકસાવવામાં આવ્યું છે તેમ આપણે દરેક ગામડે નાની જગ્યામાં વૃક્ષો વાવીએ અને ગ્રામ્ય કક્ષાએ પણ જંગલોનો વિકાસ કરીએ, તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.

જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભુપતભાઈ બોદરે કહ્યું હતું, લોકોએ જન્મદિવસના દિવસે કેક કાપવાની સાથોસાથ એક વૃક્ષ અચૂક પણે વાવવું જોઈએ. જેથી જંગલ અને પ્રકૃતિનું સરક્ષણ અને સંવર્ધન કરી શકાય. દરેક ગામમાં મિયાવાકી જંગલોનું જતન કરવામાં આવશે તો ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીનહાઉસ ઈફેક્ટને ઓછી કરી શકાશે.
આ તકે મંત્રીશ્રી બાબરિયા અને ઊપસ્થિત મહાનુભાવો દ્વારા હોસ્ટેલના કેમ્પસમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણને બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લામાં ડી.સી.પી. નર્સરી યોજનાના ૦૯ લાભાર્થીઓને રૂ. ૧,૯૪,૦૦૦ ના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરી, વડોદરાના ફોરેસ્ટ કન્ઝર્વેટર શ્રી અંજુમન શર્મા, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ડો. તુષાર પટેલ, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામક શ્રી આનંદબા ખાચર, સમરસ ગર્લ્સ-બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓ, રેક્ટરશ્રીઓ તથા વનવિભાગના કર્મચારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.








