તા.૪/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ શહેરમાં જૂની કલેકટર કચેરી ખાતે પ્રાંત અધિકારીશ્રી કે.જી.ચૌધરીના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના આયોજન અન્વયે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ઉજવણી કાર્યક્રમનું સ્થળ કસ્તુરબા રોડ પર આવેલી એ. એસ. ચૌધરી હાઈસ્કુલ નક્કી કરાયું હતું.
આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રીએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ભવ્ય રીતે થાય તથા વધુમાં વધુ લોકો આ ઉજવણીમાં સહભાગી થાય, તેવું સુચારુ આયોજન કરવા ઉપર ભાર મૂક્યો હતો. પ્રાંત અધિકારીશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે કાર્યક્રમ સંદર્ભે આમંત્રણ પત્રિકા, ધ્વજવંદન, વૃક્ષારોપણ, સાંસ્કૃતિક કાર્યક્રમ, વિશેષ વ્યક્તિનું સન્માન, સ્વાતંત્ર્ય સેનાનીના પરિજનોને આમંત્રણ, ઇલેક્ટ્રીસીટી, રિહર્સલ સહિતની વ્યવસ્થાઓ કરવા માટે વિસ્તારપૂર્વક ચર્ચા-વિચારણા કરી હતી. તેમજ કાર્યક્રમ દરમિયાન વરસાદ અડચણરૂપ ના બને, તેવી વ્યવસ્થા કરવા ખાસ સૂચન કર્યું હતું.
આ બેઠકમાં મામલતદારશ્રીઓ રૂદ્રભાઈ ગઢવી અને જાનકીબેન પટેલ, પી.એસ.આઇ.શ્રી ડી. એમ. પરમાર, પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી વી. સી. રામાણી, ફાયર સ્ટેશન ઓફિસરશ્રી આર. એ. વિગોરા, ડેપ્યુટી મામલતદારશ્રી વર્ષાબેન વેગડા, લીડીંગ ફાયરમેનશ્રી જયપાલસિંહ ઝાલા, મદદનીશ ઇજનેરશ્રી ટી.આર.જીવાણી, એજયુકેશન ઇન્સ્પેકટરશ્રી બીનાબેન જોબનપુત્રા, આસિસ્ટન્ટ એજયુકેશન ઇન્સ્પેકટરશ્રી અલ્પાબેન જોટંગીયા, એજયુકેશન સુપરવાઈઝરશ્રી મયુરભાઈ ચાવડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.








