
આમોદના ઇટોલા ગામનો લાકડાનો વેપારી અને કહેવાતો પત્રકાર મહિને ૪૦ ટકા વ્યાજથી રૂપિયા ધિરાણ કરતાં ફરિયાદ નોંધાઇ.
વ્યાજખોરીનો સનસનીખેજ કિસ્સો સામે આવતા આમોદ પંથકમાં ચકચાર
ખેડુતે લીધેલા બે લાખ સામે ૮.૭૦ લાખ આપવા છતાં વ્યાજખોર ૯૦ હજારની વસ્તુઓ ઉઠાવી લઈ ગયો
સાત કોરા ચેક લખાવી જબરજસ્તી ટ્રેક્ટર અને ઘર પણ ગીરો પર લખાવી લીધું.
આમોદ તાલુકાના ઈટોલા ગામે રહેતા ઇમરાન જાદવ પત્ની, માતા અને ત્રણ દીકરીઓ સાથે સરદાર આવાસમાં રહે છે. તેઓ પોતાની અને દાણ પર રાખેલી જમીન ખેડી ગુજરાન ચલાવે છે.જેમના પિતા અબ્દુલભાઈને કેન્સર હોય રૂપિયા બે લાખ સગા વ્હાલા પાસેથી લીધા હતા. પિતાનું ૨૦૨૨ માં મૃત્યુ થયા બાદ સબંધીઓને રૂપિયા ચૂકવવા ગામના જ વ્યાજનો ધંધો કરતા ઇકબાલ ઉર્ફે સમસુ મહંમદ જાદવ પાસેથી નવેમ્બર ૨૦૨૨ માં મહિને ૪૦ ટકા વ્યાજે બે લાખ લીધા હતા.
અને મહિને ૮૦ હજાર વ્યાજ આપવા છતાં વ્યાજખોરે ૭ કોરા ચેક લખાવી દીધા હતા. અને મે ૨૦૨૩ માં નવું ટ્રેક્ટર પણ જબરજસ્તીથી ગીરો પર લખાવી લઈ ગયો હતો.જે બાદ જુલાઈમાં ઘર પણ ગીરો પેટે લાકડાનો વેપારી અને કહેવાતા પત્રકાર ઇકબાલ ઉર્ફે સમસું જાદવે લખાવી લીધું હતું.
ખેડૂતે બે લાખ સામે ઇકબાલને કુલ ૮.૭૦ લાખ આપવા છતાં ઉઘરાણી ચાલુ રહેતા કેરવાડાના ઈમ્તિયાઝ ભાઈ પાસે બે લાખ લઈ મુદ્દલ ચૂકવી આપવા છતાં વ્યાજની ઉઘરાણી ચાલુ રહેતા ફોઈની દીકરી રિહાના પાસેથી દોઢ લાખ લઈ ચૂકવ્યા હતા.છતાં વ્યાજખોર ખેડૂતના ઘરે આવી ટ્રેક્ટરનો સામાન,પમ્પ,તથા અન્ય સાધનો સાથે પાંચ બકરાં મળી ૯૦ હજારની ચીજવસ્તુ ટેમ્પામાં લઇ ગયો હતો અંતે ખેડૂતે આમોદ પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે કહેવાતા પત્રકાર અને લાકડાના વેપારી ઇકબાલ ઉર્ફે સમસું જાદવની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.









