જેતપુરના મેવાસા ગામમાં ખેતરમાં મજુરી કરી રહેલા શ્રમિક પરિવારના બે બાળકો પર વીજતાર પડતા એકનું મોત : અન્ય ઈજાગ્રસ્ત

તા.૨૫/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જેતપુર તાલુકાના મેવાસા ગામે વાડી વિસ્તારમાં મજૂરી કરતા શ્રમિક પરિવારના બે બાળકોને વીજ કરંટ લાગ્યો હતો જે બનાવ એક કિશોરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે બીજા ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે જેતપુરની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો છે. શ્રમિક પરીવારનો મોટો દિકરાનો વીજ કરંટે ભોગ લેતા વાડી–વિસ્તારમાં અરેરાટી સાથે શોક વ્યાપ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર તાલુકાના મેવાસા ગામે વાડી વિસ્તારમાં મજુરી કરી રહેલા શ્રમિક પરિવારના બે બાળકો પર જીવતો વીજતાર પડતા બે ભાઈઓમાના એક અમિત (ઉ.વ,૧૩)નું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે વીજ કરંટથી ઈજાગ્રસ્ત નાના ભાઈ સુમિતના ચમત્કારિક બચાવ વચ્ચે તેમને સારવાર માટે જેતપુરની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો છે.

બનાવ સ્થળેથી એવી વિગતો મળી હતી કે, આ શ્રમિક પરિવાર મૂળ દાહોદના મંડોલ ગામનો છે. અને મજુરી અર્થે સૌરાષ્ટ્રમાં આવ્યો હતો. બનાવ બાદ વાડી વિસ્તારના સેવાભાવીઓએ મૃતકને પીએમ રૂમ પર અને ઈજાગ્રસ્તને સારવાર માટે દવાખાને ખસેડ્યો હતો. વીજ કેબલ તૂટીને ખેતરના ફેન્સીંગ તાર પર પડતા વીજશોકની ઘટના બની હતી. બનાવથી વાડી વિસ્તારના ખેડૂતો અને મેવાસાના ગ્રામજનોમાં અરેરાટી સાથે શોક વ્યાપ્યો છે.








