ડાંગ: ડોન ગામે ખેતરમાં રોપણી બાબતે બે પક્ષો વચ્ચે મારામારી થતા કુલ 24 ઈસમો સામે ગુનો નોંધાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાના આહવા તાલુકાનાં ડોન ખાતે જમીન અમારી છે ખેતી કરવા કેમ આવો છો ? એમ કહેતા બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી.બંને પક્ષોએ સામ સામે ફરિયાદ નોંધાવતા કુલ 24 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો…પ્રાપ્ત વિગતો અનુસાર મહારાષ્ટ્રનાં નાશિક જિલ્લાના ભૌવતીના રામદાસભાઇ સાવળી રામભાઈ પવાર (રહે. ભૌવતી જી.નાશિક કલવણ, મહારાષ્ટ્ર )ના ભાગની જમીન ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના ડોન ખાતે આવેલ છે.ત્યારે રામદાસભાઈ પવાર ખેતી કરવા માટે ડોન ગામમાં આવ્યા હતા.અને તેમના પરિવારના સભ્યો સાથે પોતાની હિસ્સાની જમીનમાં બોરથડા ફળિયામાં ડાંગર રોપણી કરવા માટેના ટ્રેકટરથી કાદવ પાડતા હતા.ત્યારે સવળ્યાભાઈ દગડુભાઈ ગાયકવાડ (રહે.ગામ.ડોન તા.આહવા જી.ડાંગ)નાં માતા ગુંતીબેને રામદાસ ભાઈનાં પરિવારને કહ્યુ હતુ કે, અમારી જમીનમાં ખેતી કરવા કેમ આવો છો ? અહીંથી જતા રહો. એવું કહેતા બંને પક્ષો વચ્ચે બોલા ચાલી થઈ હતી. તેમજ બંને પક્ષોએ એકબીજાને અપશબ્દ બોલી ડંડા વડે તથા છૂટા પથ્થર વડે તથા ઢિક્કા મુક્કીનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે બાદ બંને પક્ષો આહવા પોલીસ મથકે પહોંચ્યા હતા અને સામસામે ફરિયાદ નોંધાવી હતી.રામદાસભાઇ પવાર એ સવળ્યાભાઈ ગાયકવાડ સહિત 15 ઈસમો સામે ફરિયાદ કરી હતી. તેમજ સવળ્યાભાઈ ગાયકવાડે રામદાસ ભાઈ પવાર સહિત 9 સામે ફરિયાદ નોંધાવી હતી.હાલમાં આહવા પોલીસની ટીમે 24 ઈસમો સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે…





