
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આજે નવસારીમાં સાચી ઠરી છે. આજે સવાર થી નવસારી પંથક માં અનરાધાર વરસાદના પગલે ઠેરઠેર પાણીની રેલમછેલ નજરે પડી રહી છે.તો ક્યાંક પાણી ભરાઈ જવાના પગલે તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
આજે સવારે નવસારીમાં માત્ર ચાર કલાકમાં ૧૧ ઇંચ જેટલું વરસાદ ખાબકતાં નવસારી શહેરમાં જળ બંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. સવારે ચાર કલાકમાં નવસારી અને જલાલપોરમાં ભારે વરસાદ પડતા ઠેરઠેર રસ્તાઓ સહિત નિચાણ વાળા વિસ્તારોના ઘરોમાં ,દુકાનોમાં પાણી ભરાઈ જતા ભારે નુકસાની સામે આવી છે.આજે સવારે 8 થી 12 વાગ્યા સુધીમાં અતિભારે વરસાદનાં કારણે લોકોમાં અફરતાફરીનો માહોલ સર્જાયો હતો, ઠેરઠેર પાણી ભરાઈ જતાં લોકોનાં જીવ તાળવે ચોંટી ગયા હતા, જોકે ચાર કલાક બાદ વરસાદનો જોર ઘટતા લોકોએ રાહતનો દમ લીધો,
ગ્રીડ નજીક મુખ્ય માર્ગ સહિત ગણદેવી રોડ,દાંડી જતા માર્ગ અને સીટી વિસ્તારના માર્ગો પર પાણી ભરાઈ ગયું હતું,જ્યારે શાંતાદેવી વિસ્તારમાં એક દિવાલ ધરાશાયી થઇ જતાં બે કાર દબાઈ ગઈ હતી આ બન્ને કારનો ખુરડો બોલાઈ ગયા છે,જ્યારે ભારે વરસાદના પગલે ઊંડાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા તબાહી નો માહોલ સર્જાયો છે.
જ્યારે નવસારીના વિજલપોર વિસ્તારમાં આવેલ ચંદન તળાવમાંથી પાણી ઉભરાઈ જતા નજીક રહેતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોમાં ભારે મુશ્કેલીઓ સર્જાવાની સાથે ભારે નુકસાની વેઠવાની નોબત આવી છે,નવસારી શહેરમાં ઠેરઠેર વરસાદી પાણીની રેલમછેલ જોવા મળી રહી છે,નવસારી જિલ્લા ડિઝાસ્ટર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ નવસારી જિલ્લામાં આજે સવારે 6 વાગ્યાથી સાંજ 6 વાગ્યાસુધીનો 12 કલાકમાં 39.44 ઇંચ વરસાદ નોંધાયો છે,જેમાં નવસારી તાલુકામાં 12.12 ઇંચ ,જલાલપોર તાલુકામાં 11.04 ઇંચ ,ગણદેવી તાલુકામાં 5.88 ,વાંસદા તાલુકામાં 1.04 અને ખેરગામ તાલુકામાં 6.48 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં સર્વત્ર વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં જળ બંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી.





