

જંબુસર તાલુકામાં ચાલુ સાલે સારા પ્રમાણમાં ખરીફ પાકનું વાવેતર થયું છે . જેમાં કપાસ , તુવેર જેવા રોકડિયા પાકો ચાસે પડી ગયેલ છે , પરંતુ તેમાં કાતરા નામની જીવાતનો ઉપદ્રવ થતાં ખેડૂતોને પડતાં પર પાટુ જેવી પરિસ્થિતિ થઈ છે. જેથી જગતનો તાત ચિંતામાં ગરક થયો છે. કોઈપણ વ્યવસાયિક ક્ષેત્રે કુદરતી કે માનવસર્જિત આફતો આવતી જ રહેતી હોય છે. કૃષિ ક્ષેત્ર એ અર્થતંત્રનું મુખ્ય પાસું ગણાય છે. ૬૪ ટકા લોકો કૃષિ ક્ષેત્ર પર નિર્ભર છે .ખેતી એ આપણા દેશનો પ્રાણાધાર કહીએ તો તેમાં કોઈ અતિશયોક્તિ નથી જ !
જંબુસર તાલુકાના કિસાનોએ મોંઘા ભાવના બિયારણો , જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી વરસાદના આગમન સાથે જ ખેડૂતોએ ખેતી કામો આરંભ્યા હતા. અને તેમાંય વળી ખાસ કરીને અત્યારે સારા પ્રમાણમાં ખરીફ પાકો ખેતરોમાં લહેરાઈ રહ્યા છે. તેમાં ગોરાડુ જમીન ધરાવતા ગ્રામ્ય વિસ્તારમાં કપાસ અને તુવેર જેવા મુખ્ય પાકો તૈયાર કર્યા છે ત્યારે કુદરતી આપત્તિ આવીને ઊભી છે. અત્યારે પુષ્કળ પ્રમાણમાં છેલ્લા એક અઠવાડિયાથી કાતરા નામની જીવાત પડતાં સુંવાળી જાતના વાવેતરનાં પાન અને થડ કોરી ખાઈને છોડનો નાશ કરી રહ્યા છે. અને ઉગતા છોડને પણ ઓહિયા કરી રહ્યા છે. આ કાતરા નામની જીવાત – ઇયળો દિવસ દરમિયાન શેઢા ઉપર રહે છે અને રાત્રિના સમયે વાવણી કરેલ છોડ ઉપર આવી તેના પાન અને થડ ખાઈ જાય છે. અગાઉ ખેડૂતોને પ્રથમ વખત મોંઘા ભાવનું બિયારણ નાશ પામ્યું હતું જ્યારે અત્યારે પડતાં પર પાટુ સમાન કિસાનો ઉપર આ કુદરતી આફતથી નિરાશાનું મોજુ ફરી વળ્યુ છે. કિસાનો દવાનો છંટકાવ કરી રહ્યા છે તો બીજી તરફ કાતરા – ઇયળોને વીણી લઈ પાણીની ડોલમાં નાખી રહ્યા છે જેથી તે મૃત્યુ પામે છે. કિસાનોના જણાવ્યા અનુસાર આ ઈયળો ૧૫ દિવસ સુધી આયુષ્ય ભોગવે છે. પરંતુ કૃષિક્ષેત્રમાં ખૂબ જ નુકસાન પહોંચાડે છે જેના કારણે કુદરતી આપત્તિથી કિસાનો ચિંતામાં ગરકાવ થયો છે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ





