
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગિરિમથક સાપુતારા નજીક મહારાષ્ટ્રની હદમાં આવેલ સપ્તશ્રુંગી માતા મંદિર જતા ઘાટમાર્ગમાં મહારાષ્ટ્ર નિગમની એસટી બસ ખીણમાં ખાબકતા 18 મુસાફરો ઇજાગ્રસ્ત જ્યારે એક મહિલાનું મોત નીપજ્યુ…
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ સાપુતારા નજીક મહારાષ્ટ્ર રાજ્યની હદમાં આવેલ સપ્તશ્રુંગી વણીગઢથી ખામગાવ જઈ રહેલ મહારાષ્ટ્ર એસટી નિગમની એસટી બસ. ન.એમ.એચ.40.એ.ક્યુ.6269નાં ચાલકે સપ્તશ્રુંગી નજીકનાં ગણપતિ ઘાટમાર્ગમાં અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ એસટી બસ માર્ગની સાઈડમાંથી ઊંડી ખીણમાં ખાબકી ઝાડ સાથે ભટકાઈને થંભી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ એસટી બસમાં 22 મુસાફરો સવાર હોવાનું જાણવા મળી રહ્યુ છે.સવારનાં સાડા છ વાગ્યાનાં અરસામાં અચાનક એસટી બસ ઊંડી ખીણમાં ખાબકતા મુસાફરોનાં બચાવો બચાવોનાં રૂદન સાથે વાતાવરણ ગુંજી ઊઠ્યુ હતુ. આ અકસ્માતનાં બનાવમાં એસટી બસમાં સવાર 18 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પોહચી હતી.જ્યારે એક મહિલાનું મોત નીપજ્યુ હતુ.આ બનાવની જાણ નાંદુરીનાં ગ્રામજનો તથા સપ્તશ્રુંગી ગઢનાં ગ્રામજનોને થતા તેઓ તુરંત જ ઘટના સ્થળે પોહચી ગયા હતા.અહી ગ્રામજનોએ તુરંત જ ખીણમાં ખાબકેલ એસટી બસમાં ફસાયેલ તમામ મુસાફરોનું રેસ્ક્યુ કરી બચાવ કામગીરી હાથ ધરી હતી.અને ખાનગી તેમજ સરકારી વાહનોમાં ઇજાગ્રસ્તોને તાત્કાલીક સારવારનાં અર્થે નજીકની વણી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.આ બનાવમાં એસટી બસ ઊંડી ખીણમાં ઝાડ સાથે ભટકાઈ થંભી જતા મોટી જાનહાનિ ટળી હતી..





