
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
રાજયના ચેરાપૂંજી તરીકે ઓળખાતા વનાચ્છાદિત ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સોમવારે સાર્વત્રિક વરસાદ નોધાયો છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ફરી વરસાદી માહોલ જામતા નદી,નાળા, ઝરણાઓ અને નાના મોટા જળધોધ પાણીથી ઉભરાયા હતા.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે પૂર્ણા, ગીરા,ખાપરી અને અંબિકા નદીનાં જળ સપાટીમાં વધારો નોંધાયો છે.ડાંગ જિલ્લાનાં વઘઇ નગરમાં સોમવારે થોડાક સમય પડેલ ધોધમાર વરસાદનાં પગલે બજારનાં માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત ઉઠી હતી.જ્યારે વરસાદી માહોલનાં પગલે ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં બે માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળતા તે યાતાયાત માટે બંધ કરાયા છે.બપોરે બે વાગ્યાની સ્થિતિએ (1) ખાતળ ફાટકથી ઘોડી રોડ, અને (2) વાંઝટઆંબાથી કોયલીપાડા રોડ, ઓવર ટોંપીગને કારણે બંધ થતા બે ગામનાં લોકો સહિત પશુપાલન પ્રભાવિત બન્યુ હતુ.સોમવારે ગિરિમથક સાપુતારા ખાતે હળવા વરસાદી માહોલ બાદ ગાઢ ધૂમમ્સીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ. ગિરિમથક સાપુતારા ખાતે ફરવા આવેલ પ્રવાસીઓએ વરસાદી માહોલની સાથે પ્રકૃતિનો અપ્રિતમ સૌંદર્યનો આસ્વાદ માણી ધન્યતા અનુભવી હતી.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સાપુતારા પંથકમાં 18 મિમી,સુબિર પંથકમાં 35 મિમી અર્થાત 1.4 ઈંચ, આહવા પંથકમાં 56 મિમી અર્થાત 2.24 ઈંચ,જ્યારે સૌથી વધુ વઘઇ પંથકમાં 69 મિમી અર્થાત 2.76 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.





