JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢના દામોદર કુંડમાં બે વર્ષીય બાળકનું ડૂબી જતા મોત

દામોદર કુંડમાં પિતૃ તર્પણ કરવા આવેલા પરિવારના બે વર્ષીય બાળકનું મોત થતા ગમગીનીનો માહોલ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : દામોદર કુંડ ખાતે આજે ભલભલા કઠણ હ્રદય વાળાનું કાળજું કંપાવે તેવી કરુણ દુર્ઘટના બની હતી.
માણાવદરથી પિતૃ તર્પણ માટે આવેલા એક પરિવારના બે વર્ષના બાળકનું કુંડમાં અકસ્માતે ડૂબી જવાથી મોત નિપજતા પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો.
જૂનાગઢ ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતા ટીમ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
જૂનાગઢના દામોદરકુંડમાં આજે માણાવદર તાલુકાનો એક પરિવાર પિતૃતર્પણ વિધિ માટે આવ્યો હતો. પરિવારજનો વિધિ કર્યા બાદ દામોદાર કુંડમાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે તેમનો બે વર્ષનો પુત્ર રાજ રવિભાઈ પરમાર પણ ત્યાં રમતો હતો.
જે દરમિયાન બાળક રાજ અકસ્માતે પાણીમાં પડ્યો હતો અને જોતજોતામાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટનાના પગલે પરિવારજનો હતપ્રભ બન્યા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી.
જૂનાગઢ ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી બાળકને બહાર કાઢ્યો હતો. જો કે, બાળકને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું.
આ બનાવના પગલે મૃતક બળકના દાદીમાં ગંગાબેન હરસુખભાઇ પરમાર સહિતના બાળકના પરિવારજનોમાં હૈયાફાટ રૂદન સાથે આક્રંદ છવાયો હતો.

[wptube id="1252022"]
Back to top button