
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાના આહવા નગરના મેઈન બજારના માર્ગો પર રખડતા ઢોરોને કારણે સ્થાનિક પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી જ્યારે આહવા ગ્રામ પંચાયત ઘોર નિંદ્રા હોય તેમ જણાઈ રહ્યો છે. વાહનચાલકો તેમજ લોકોમાં પડતી મુશ્કેલીઓને લઈ આહવા પોલીસ દ્વારા રખડતા ઢોર અંગે આહવા ગ્રામ પંચાયતને નોટીશ આપવામાં આવી છે.
આહવા નગરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે.જેના પગલે રસ્તે જતા રાહદારીઓ પર અચાનક મોત ત્રાટકે છે.રખડતા ઢોરના ત્રાસથી એકબાજુ લોકો થથરી રહ્યા છે, જ્યારે બીજી બાજુ તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યુ છે.નગરમાં રખડતી રંજાડ માજા મુકી રહી છે.જેથી સ્થિતિ અંકુશમાં આવવાની જગ્યાએ વધુ વણસી રહી હોય ત્યારે આહવા પોલીસ દ્વારા નોટીશ ફટકારવામાં આવી છે.આહવા પોલીસે નોટિસમાં જણાવ્યા અનુસાર, રખડતા ઢોરોને કારણે કોઈ અગતિત ઘટના ન બને તે માટે જાહેરમાં રોડ ઉપર રખડતા ઢોરોને પકડી ઢોર ડબ્બામાં અથવા તો પાંજરાપોળ ખાતે મુકવાની વ્યવસ્થા ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે કરવી.નહીં તો કોઈ અઘટીત ઘટના બને તો ગ્રામ પંચાયતની જવાબદારી રહેશે અને તે અંગે જવાબદાર ગણી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.આહવા પોલીસ દ્વારા નોટિસ ફટકાર્યા બાદ હવે સ્થાનિક તંત્ર દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે કે પછી રાહદારીઓનો જીવ જોખમમાં મૂકવામાં આવશે તે આવનારો સમય જ બતાવશે…





