AHAVADANG

ડાંગમા અનરાધાર વરસાદનાં પગલે 12 જેટલા કોઝવે પાણીમાં ગરકાવ થતાં 20થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદનાં પગલે 12 જેટલા નીચાણવાળા કોઝવેકમ પુલો ઓવરટોપીક થતા 20થી વધુ ગામો વહીવટીમથકેથી સંપર્ક વિહોણા બન્યા…
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ પુરબહારમાં જામતા સર્વત્ર પંથકોમાં પાણીની રેલમછેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત છ દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદનાં પગલે જિલ્લાની લોકમાતાઓમાં અંબિકા, પૂર્ણા,ગીરા અને ખાપરી નદીમાં પણ પાણીની આવક વધવાની સાથે રોદ્ર સ્વરૂપમાં આવી ગઈ છે.હાલમાં ડાંગ જિલ્લાનાં જંગલ વિસ્તારમાં આવેલ કોતરડા,વહેળાઓ તથા ઝરણાઓ પણ ડહોળા નીરની સાથે ગાંડાતુર બન્યા છે.ડાંગ જિલ્લામાં સતત છ દિવસથી પડી રહેલા વરસાદી માહોલનાં પગલે ઘાટમાર્ગોમાં ભુસ્લખલન સહીત પથ્થરો ધસી પડવાની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે.ડાંગ જિલ્લામાં નદીઓનાં વહેણ તેજ બનતા વઘઇનો ગીરા ધોધ,ગીરમાળનો ગીરા ધોધ,યુટર્ન વનદેવીનો નેકલેસ,ડોન હિલ રિસોર્ટ સહિત નાનકડા જળધોધ અને ઝરણાઓ સૌંદર્યતમની સાથે પુરબહારમાં ખીલી ઉઠતા પ્રકૃતિપ્રેમીઓની મોજ પડી જવા પામી છે.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલમાં જંગલ વિસ્તારની પ્રકૃતિ જાણે સજી ધજીને સોળે શણગાર રચી મધમધી ઉઠતા દ્રશ્યો મનમોહક બની જવા પામ્યા છે.રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પણ શનિવારે વરસાદી માહોલમાં રજાઓની મઝા માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા ઠેરઠેર બખા થઈ જવા પામ્યા હતા.ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ અને ધૂમમ્સીયા વાતાવરણમાં ફરવા આવેલ પ્રવાસીઓએ હરી ફરીને મોન્સૂનનો આસ્વાદ માણ્યો હતો.ડાંગ જિલ્લામાં વરસી રહેલા અનરાધાર વરસાદનાં કારણે ડાંગ જિલ્લા પંચાયતનાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકનાં 12 જેટલા કોઝવે ઓવર ટોપીંગ થયા છે.જેના કારણે 20 જેટલા ગામો પ્રભાવિત થતા આ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.જે માર્ગો બંધ થવા પામ્યા છે તેમાં આહવા તાલુકાનાં 6 માર્ગો (1) બોરખલ-ગાયખાસ- ચવડવેલ રોડ,(2) રાનપાડા-ભાપખલ-બારીપાડા રોડ,(3) ચિકટ્યા-ગાઢવી રોડ,(4) ભવાનદગડ-ધુલચોંડ-આમસરવલણ રોડ,(5) બારીપાડા-રાનપાડા-ભાપખલ રોડ,અને (6) સતી-વાંગણ-કુતરનાચ્યા રોડ બંધ થવા પામ્યા છે.સુબીર તાલુકાના 2 કોઝ વે (1) કાકડવિહિર-ખેરિંદ્રા-ચમારપાડા રોડ, અને (2) કડમાળ-દહેર રોડ,ઉપરાંત વઘઇ તાલુકાના ૪ કોઝ વે (1) ખાતળ ફાટકથી ધોડી રોડ,(2) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ(3) વાઝટઆંબા-કોયલીપાડા રોડ, (4) કોશીમદા-દેવળ ફળિયા રોડ, વાહન વ્યવહાર માટે બંધ થવા પામ્યા છે.આ માર્ગો બંધ થતા ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચવાયેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા વાહન ચાલકો અને રાહદારીઓને અપીલ કરવામાં આવી છે.અનરાધાર વરસાદને પગલે ડાંગનાં અંતરિયાળ માર્ગો અને વન વિસ્તારોમાં ક્યાંક વૃક્ષો ધરાશયી થયા હતા,તો ક્યાંક વીજ પોલ અને વીજ લાઈન ઉપર વૃક્ષો પડતા, વીજ પુરવઠો અવરોધાયો હતો.જેને વીજ કંપનીના કર્મચારીઓએ રાત્રિના સમયે પણ વરસતા વરસાદમાં બહાલ કરવાની કામગીરી આટોપી હતી.કેટલાક ઠેકાણે વૃક્ષો ધરાશયી થતા વાહન વ્યવહાર પણ અવરોધાયો હતો. જેને માર્ગ-મકાન વિભાગના કર્મયોગીઓએ દૂર કરતા યાતાયાત સરળ બનવા પામ્યો હતો.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સુબિર પંથકમાં 76 મિમી અર્થાત 3.04 ઈંચ, સાપુતારા પંથકમાં 112 મિમી અર્થાત 4.48 ઈંચ, આહવા પંથકમાં 149 મિમી અર્થાત 5.96 ઈંચ, જ્યારે સૌથી વધુ વઘઇ પંથકમાં 169 મિમી અર્થાત 6.76 ઈંચ જેટલો નોંધાયો હતો..

[wptube id="1252022"]
Back to top button