બનાસકાંઠા જિલ્લાના તીર્થધામ મગરવાડામાં “સ્વબળે સર્વાંગી વિકાસ” પુસ્તક વિમોચન સમારોહ સંપન્નન થયો

28 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
મગરવાડા ખાતે તા. 27 જૂન ના રોજ શ્રી ગજેન્દ્રકુમાર જોશી આલેખિત ‘સ્વબળે સર્વાંગી વિકાસ’ પુસ્તકનો વિમોચન કાર્યક્રમ મગરવાડા હાઈસ્કૂલમાં યોજાઈ ગયો. આઝાદી પહેલાં મગરવાડા ગામમાં સ્થાયી થયેલા, ગામશિલ્પી સ્વ. ડાહ્યાલાલ મણિલાલ જોશીનું જન્મ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. તેઓશ્રીને શ્રદ્ધાંજલિ આપવાના એક કાર્યક્રમના ભાગરૂપે તેમના સુપુત્ર દ્વારા સરળ ભાષાશૈલીમાં સૌને ઉપયોગી થાય તેવા પ્રેરક પ્રસંગોનું આ પુસ્તક ડાહ્યાલાલ સાહેબે જ્યાં જ્યાં શિક્ષક તરીકે સેવા આપી છે, તે શાળાઓમાં ભેટ આપવા તૈયાર થયું છે. તેના વિમોચન પ્રસંગે હાજર શ્રી 1008 શંકર સ્વરૂપ બ્રહ્મચારી મહારાજ, યતિવર્ય વિજય સોમજી મહારાજ.સા., અન્ય સાધુ ભગવંતોની પાવક હાજરીમાં પુસ્તકનું વિમોચન કરતાં પ.પૂ.આ.દેવશ્રી વિમલપદ્મસૂરિશ્વરજી મહારાજે આશીર્વાદ સાથે ખૂબ રાજીપો વ્યક્ત કર્યો. હાજર સૌ મંચસ્થ સાધુપુરુષોએ આ પ્રસંગને વણી લઈને જ્ઞાનવાણીનો અમૂલ્ય લાભ આપ્યો. આજનો દિવસ ધન્ય થયો તેવી સૌને અનુભૂતિ થઈ. પોતાના વડીલને આજે શ્રેષ્ઠ અંજલિ અપાઈ તેનો આનંદ પરિવારના સભ્યોના ચહેરા પર વર્તાતો હતો. ગામની નવી પેઢીને ગામમાં થઈ ગયેલ ઉત્કૃષ્ટ વ્યક્તિત્વના જીવનનો ખૂબ સારો પરિચય થયો. એમના મનમાં ઊંચો આદર બંધાયો. પોતે જે શાળામાં ભણી રહ્યાં છે તેનો વર્ષો પહેલાં શુભારંભ કરનાર પુણ્યાત્માના પરિવારને વંદન કરી શાળા પરિવારે ધન્યતા અનુભવી.