RAMESH SAVANI

મુસ્લિમો પથ્થરમારો કરીને પોતાને જ ભયંકર નુકશાન કરી રહ્યા છે !

જૂનાગઢમાં મજેવડી ગેટ પાસે દરગાહ છે. તે હટાવવા મહાનગરાલિકાએ નોટિસ આપી એટલે 16 જૂન 2023ના રોજ 400 જેટલાં મુસ્લિમો દરગાહ પાસે એકત્ર થયા હતા. દરમિયાન અમુક અસામાજિક તત્વોએ પોલીસ પર પથ્થરમારો કર્યો; મજેવડી પોલીસ ચોકી પર પણ હુમલો કર્યો ! પોલીસે બળ પ્રયોગ કરીને ટોળાને વિખેરી નાંખેલ. આ ઘટનામાં એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું. પાંચ પોલીસને ઈજા પહોંચી. ટોળાએ એક વાહનને આગ ચાંપી. પોલીસે કોમ્બિંગ કરી 174 તોફાનીઓને એરેસ્ટ કરેલ.

એક મુસ્લિમ ફેસબૂક મિત્રએ લખ્યું છે : “જૂનાગઢમાં જે ઘટના બની તે પછી પોલીસ દ્વારા ઘરે ઘરે જઈ 170થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી; જેમાં મોટા ભાગના લોકો નિર્દોષ છે. કોઈને મળવા દેવામાં આવતા નથી; કોઈ કારણ જણાવતા નથી. જે લોકોએ પથ્થરમારો કરેલ છે તેમને કાયદાની પ્રસ્થાપિત પ્રકિયા મુજબ જે સજાની જોગવાઇ હોય એ થવી જોઈએ. પરંતુ સવાલ એ છે કે જે લોકો તદ્દન નિર્દોષ છે, જેમાં મારા મામા સહિત તેઓના ત્રણ છોકરા રાત્રે ટ્રાન્સપોર્ટના ધંધાથી ખ્વાજા નગરમાં ઘેર આવ્યા ત્યારે પોલીસે આવીને ગાડીઓ પર દંડા મારી તોડફોડ કરી ચારેયને પોતાની ગાડીમાં બેસાડી દીધાં. તેમને 45 કલાકથી વધુ લોક-અપમાં રાખવામાં આવ્યા છે. દરગાહ સામે પોલીસે મારઝૂડ પણ કરી. તે કેટલી હદે યોગ્ય કહેવાય? બંધારણના આર્ટિકલ-21 હેઠળ જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનો મૂળભૂત હક્ક આપેલ છે તેનું ઉલ્લંઘન નથી?”

સાદા ડ્રેસમાં મોઢે બુકાની બાંધી દરગાહ સામે પોલીસ તોફાની તત્ત્વોને જાહેરમાં પટ્ટાથી સર્વિસ કરે છે તે વીડિયો વાયરલ થયો છે. ગુજરાતની બે ચેનલો છે. ‘જમાવટ’ અને ‘નવજીવન’. જમાવટમાં કહ્યું કે ‘અસામાજિક તત્વો પથ્થરમારો કરે ત્યારે પોલીસ તે પથ્થર કેચ કરવા ઊભી રહે? પોલીસ શામાટે માર ખાય? પોલીસ આરોપીઓને જાહેરમાં મારે છે તે કદાચ સંવિધાનિક ન હોઈ શકે !’ નવજીવને કહ્યુ કે ‘પોલીસ મોઢે બુકાની બાંધી જાહેરમાં સર્વિસ કરે તે કેટલાં અંશે ઉચિત છે?’ જમાવટે પોલીસનો પક્ષ લીધો અને નવજીવને ન્યાયનો !

કોમી તોફાનો બાદ પોલીસ જે કોમ્બિંગ કરે તેમાં મોટાભાગે નિર્દોષ લોકોને પોલીસ પકડતી હોય છે. જો પોલીસ તરત જ અટકાયત ન કરે તો પરિસ્થિતિ થાળે ન પડે. જે તે વિસ્તારમાં આડેધડ અટકાયતથી તોફાની તત્વોમાં ડર બેસી જાય છે અને સ્થિતિ નિયંત્રણમાં આવે છે ! કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસે ટોળાં પર અસરકારક પગલાં લેવા જ જોઈએ. બાબરી મસ્જિદ ડીમોલિશન તથા 2002ના કોમી તોફાનો વેળાએ પોલીસ પગલાંનો જાત અનુભવ છે. પોલીસ ખોટું કરે છે; પણ તે સિવાય છૂટકો હોતો નથી ! પરંતુ અટક કરેલ માણસોને જાહેરમાં મારપીટ કરવી તે બિલકુલ ઉચિત નથી. કાયદાની જોગવાઈ બિલકુલ ઉચિત છે કે તોફાની ટોળા પર પોલીસ ત્રાટકી શકે; લાઠીચાર્જ કરી ફેક્ચર કરી શકે; ફાયરિંગ કરી તોફાનીનો જીવ લઈ શકે; પરંતુ અટકાયત કર્યા બાદ આરોપીને મારઝૂડ કરી શકે નહીં. આ તફાવત પત્રકારોને પણ ગળે ઉતરતો નથી !

જૂનાગઢ પોલીસે દરગાહ સામે જ આરોપીઓને ઊભા રાખી સર્વિસ કરી ઘટનામાંથી મુસ્લિમ સમાજે શું બોધપાઠ લેવો જોઈએ? [1] મુસ્લિમો તરફથી હિંસક સામનો થાય/ પથ્થરમારો થાય તો સૌથી વધુ નુક્શાન મુસ્લિમોને થાય છે; કેમકે પોલીસ નિર્દોષ મુસ્લિમ યુવકોને જ જેલમાં પૂરશે ! એમનું ભવિષ્ય છીનવાઈ જશે; સરકારી નોકરી માટે/વિદેશ જવા માટે ગેરલાયક ઠરશે ! પોલીસ અટકાયત કરી લે, પરંતુ એરેસ્ટ કરવાનો સમય મોડો બતાવે છે; એટલે 45 કલાકથી વધુ લોક-અપમાં રાખવામાં આવ્યા છે; એવી ફરિયાદ કરવાનો કોઈ અર્થ નથી ! ફરિયાદ કરો તો કોર્ટ પણ સાંભળશે નહીં ! [2] રસ્તા વચ્ચે દરગાહ હોય અને પાલિકા તે દૂર કરવા ઈચ્છે તો સહયોગ આપવો જોઈએ. રસ્તાને અવરોધતી દરગાહ કરતા જીવતો માણસ મહત્વનો છે ! [3] મુસ્લિમ સમાજે પથ્થરમારો/ વાહન સળગાવવા કે હિંસક સામનો કરવાને બદલે કાનૂની રીતે લડત આપવી જોઈએ. કાયદો મદદ કરે તેટલી મદદ હિંસા કરી શકે નહીં ! [4] પોલીસ પણ સમાજનો હિસ્સો છે; તેમના માનસ પર ગોદી મીડિયાની/ સત્તાપક્ષના IT Cellના જૂઠ્ઠા મેસેજની/ નફરતી ભાષણોની અસર થતી હોય છે; તેથી પોલીસ પૂર્વગ્રહિત બનીને મુસ્લિમોને મારઝૂડ કરે છે ! મુસ્લિમ પોલીસ અધિકારીઓ પણ મુસ્લિમોને મારઝૂડ કરે છે ! ગાંધીનગરના અક્ષરધામ મંદિર હુમલા કેસના આરોપી મુફતી અબ્દુલ કય્યૂમ મંસૂરીને સુપ્રિમકોર્ટે 16 મે 2014ના રોજ નિર્દોષ ઠરાવેલ. અબ્દુલ કય્યૂમે ‘11 સાલ સલાખોં કે પીછે’ પુસ્તકમાં લખ્યું છે કે ‘ઉપરી અધિકારીને વહાલા થવા માટે/ પ્રમોશન માટે; મને સૌથી વધુ મારપીટ/ અત્યાચાર/ ત્રાસ ક્રાઈમ બ્રાન્ચના મુસ્લિમ અધિકારએ આપ્યો હતો !’ [5] મુસ્લિમોએ દરગાહ કરતા શિક્ષણને મહત્વ આપવું જોઈએ. દરગાહ બેરોજગારી દૂર ન કરી શકે, શિક્ષણ બેરોજગારી દૂર કરી શકે ! મુસ્લિમ સમાજે મુલ્લા/ મૌલવીને અનુસરવાને બદલે આધુનિક શિક્ષણ પ્રત્યે સૌથી વધુ ધ્યાન આપવું જોઈએ. પોતાની કટ્ટરતા પ્રથમ છોડવી પડે ! કટ્ટરતા વિના હિંસા શક્ય નથી ! હિંસાનો માર્ગ મુસ્લિમો માટે ઘાતકી છે ! [6] મુસ્લિમ સમાજે, ધાર્મિક ઉશ્કેરણી કરનાર નેતાના બદલે શિક્ષિત/ સમજદાર/ સેક્યુલર નેતા સાથે ઊભા રહેવું જોઈએ. સમાજ ઉદ્ધારનો સચોટ રસ્તો છે : શિક્ષિત બનો; સંગઠિત બનો; સંઘર્ષ કરો; ધાર્મિક નેતાઓથી દૂર રહો !rs

સોર્ષ….
https://m.facebook.com/story.php?story_fbid=pfbid02fn2PQThdkYnTH8vWUmFZhfp9XzY5q6dh4CZuZJYP9JLp7Kq9bmUxo2EbMVig8Pwcl&id=100063726189171&mibextid=Nif5oz

[wptube id="1252022"]
Back to top button