
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર થોડા સમય પૂર્વે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામણ દ્વારા દક્ષિણ ગુજરાતમાં નદીઓનાં જોડાણ માટે પ્રસ્તાવ મુક્યો હતો. દક્ષિણ ગુજરાતમાં પાર તાપી અને નર્મદા રિવરલિંક પ્રોજેક્ટની જાહેરાત થતાની સાથે જ આદિવાસી જનજીવન વિસ્થાપિત થવાનાં બીકે હચમચી ઊઠ્યુ હતુ. દક્ષિણ ગુજરાતમાં વિવિધ આદિવાસી સંગઠનો અને વાંસદાનાં ધારાસભ્ય અનંતભાઈ પટેલની આગેવાનીમાં પાર તાપી અને નર્મદા રિવરલિંક યોજના અંતર્ગત બનનાર મહાકાય ડેમોનો વિરોધમાં રેલીઓ,મહાસભાઓ સહિત આક્રમક આંદોલનો યોજાયા હતા.દક્ષિણ ગુજરાતમાં પાર તાપી અને નર્મદા રિવરલિંક પ્રોજેકટનો એટલા હદે વિરોધ થયો કે છેવટે રાજય સરકાર દ્વારા આ પ્રોજેકટને સ્થગિત કરવાની ફરજ પડી.પાર તાપી અને નર્મદા રિવરલિંક પ્રોજેકટ આખરે સ્થગિત થતા લોકોએ રાહત તો મેળવી છે.પરંતુ આ મહાકાય ડેમોનું ભૂત સમયાંતરે ધૂણી ઉઠતા વિરોધનો સુર જોવા મળી રહ્યો છે.ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં ચીકાર ગામે આજરોજ ડેમનો સર્વે કરવા આવેલ અધિકારીઓને ગ્રામજનોએ પરત મોકલી દીધા હોવાની માહિતી મળી રહી છે.ચીકાર ગામે આજરોજ મોડી સાંજે ગ્રામજનોએ એકઠા થઈને નયલા કટવા અન ડેમ લા હટવાનાં સૂત્રોચ્ચાર કરી પાર તાપી અને નર્મદા રિવરલિંક પ્રોજેકટનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.આ સર્વે બાબતે ડાંગ જિલ્લાનાં સિંચાઈ વિભાગનાં કાર્યપાલક ઈજનેર તથા પાણી પુરવઠા વિભાગનાં કાર્યપાલક ઈજનેરને પૂછતા તેઓએ જણાવ્યુ હતુ ચીકાર ગામે અમારા અધિકારીઓની ટીમે સર્વે કર્યો નથી.ચીકાર ગામે કયા વિભાગનાં અધિકારીઓ સર્વે કરવા ગયા હતા જેની જાણ અમોને નથી.ત્યારે સવાલ એ થાય છે કે પાર તાપી અને નર્મદા રિવરલિંકને રાજય સરકાર દ્વારા ઘણા સમય પહેલા સ્થગિત કરી દેવાઈ છે.ત્યારે હાલમાં પાર તાપી અને નર્મદા રિવરલિંક પ્રોજેકટનાં વિરોધનો સુર ઉઠાવી અમુક રાજકીય આગેવાનો પોતાનો સ્વાર્થનો રોટલો શેકી રહ્યાનો પણ ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે…





