
તા.૨૩ મે
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
હવામાનની આગાહી, પાક અને કૃષિ લક્ષી માહિતી ખેડૂતો આંગળીના ટેરવે મેળવતા થયા
દેશની સાથે ગુજરાતમાં કૃષિક્ષેત્રે ડિજિટલ સેવાઓનો વ્યાપ દિવસે દિવસે વિસ્તરી રહ્યો છે. રાજ્યના ખેડૂતો ઈન્ફર્મેશન ટેક્નોલોજીના ઉપયોગ થકી માહિતી-સમૃદ્ધ બની રહ્યા છે અને ખેતીમાં અવનવી પદ્ધતિઓ અપનાવીને તેનો ફાયદો લઈ રહ્યા છે. રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો મોબાઈલ ટેક્નોલોજી અપનાવીને તેનો લાભ લેતા થાય તે માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખેડૂત મોબાઈલ સહાય યોજના અમલી બનાવવામાં આવી છે.
રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એ.એલ. સોજીત્રાના જણાવ્યા પ્રમાણે, રાજકોટ જિલ્લામાં આ સ્કીમ અંતર્ગત ગત વર્ષમાં કુલ ૧૨૭૮ ખેડૂતોને રૂપિયા ૭૪.૪૨૦ લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. નોંધનીય છે કે, ડિજિટલ મોબાઈલ ટેકનોલોજી દ્વારા ખેડૂતો હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાતના ઉપદ્રવની માહિતી, નવી ખેત પદ્ધતિઓ તથા ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓની માહિતી મેળવતા થયા છે. ખેડૂતો સ્માર્ટ ફોન થકી ખેતી વિષયક માહિતીના ફોટોગ્રાફ્સ, ઈ-મેઈલ, એસ.એમ.એસ. તથા વીડિયોની આપ-લે કરે છે. આજે ખેડૂતો સજીવ અને પ્રાકૃતિક ખેતી અંગે વીડિયો મિટિંગ પણ સ્માર્ટફોન દ્વારા કરી શકે છે.
મહત્વનું છે કે, રાજ્યના ખેડૂતો રૂ. ૧૫,૦૦૦ સુધીનો મોબાઈલ ખરીદે તો રૂ.૬૦૦૦ સુધીની સહાય અથવા ખરીદ કિંમત પર ૪૦ % સુધી સહાય રાજયસરકાર દ્વારા આપવામાં આવે છે. માત્ર ગુજરાત રાજ્યના લાભાર્થી ખેડૂતને જ આ સહાય આપવામાં આવે છે. આ માટે ખેડૂત લાભાર્થી જમીન ધરાવતો હોવો જોઈએ. ખેડૂત ખાતેદાર એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ ફક્ત એક જ વાર સહાય મળવાપાત્ર છે.