દક્ષિણ આફ્રિકા અને નામીબિયાથી લાવવામાં આવેલા ત્રણ ચિત્તાઓના મૃત્યુ પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી

દક્ષિણ આફ્રિકા અને નામીબિયાથી મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં બે મહિનાથી ઓછા સમયમાં લાવવામાં આવેલા ત્રણ ચિત્તાઓના મૃત્યુ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને કેન્દ્રને રાજકારણ બાજુએ મૂકી રાજસ્થાનમાં સ્થળાંતરિત કરવા વિચારવા કહ્યું હતું. બે જસ્ટિસની બેન્ચે કેન્દ્રને જણાવ્યું હતું કે, નિષ્ણાતોના અહેવાલો અને લખાણો પરથી એવું જણાય છે કે KNP પાસે મોટી સંખ્યામાં ચિત્તાઓ માટે પૂરતી જગ્યા નથી અને કેન્દ્ર સરકાર તેમને અન્ય અભયારણ્યમાં સ્થળાંતરિત કરવાનું વિચારી શકે છે.
બેન્ચે કહ્યું, “બે મહિનામાં ત્રણ ચિત્તાના મૃત્યુએ ગંભીર ચિંતાનો વિષય છે. એવું લાગી રહ્યું છે કે, કુનો પાસે આ ચિતાઓને રાખવા માટે પૂરતી જગ્યા નથી. તેમણે આગળ આ ચિત્તાઓને રાજસ્થાનમાં યોગ્ય સ્થાન શોધી રાખવા માટે પણ ટકોર કરી હતી. રાજસ્થાનમાં વિરોધ પક્ષનું શાસન છે તેનો અર્થ એ નથી કે તમે તેને ધ્યાનમાં લેશો નહીં.
કેન્દ્ર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કહ્યું કે, તે તમામ સંભવિત પાસાઓની તપાસ કરી રહ્યા છે, જેમાં તેઓ અન્ય અભયારણ્યમાં સ્થાનાંતરિત કરવાથી માંડીને બીજા પાસાઓ અંગે પણ તપાસ કરી રહી છે.










