
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે પેન્ડિંગ કેસોને લઇને કેટલાક જજો દ્વારા ઇંટરવ્યૂ આપવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. આ સાથે જ સુપ્રીમે કલકત્તા હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પાસેથી ચાર દિવસની અંદર રિપોર્ટ માગી હતી. સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે કે શું ન્યાયાધીશ અભિજીત ગંગોપાધ્યાયે બંગાળની સ્કૂલોમાં લાંચ મુદ્દે ઇન્ટરવ્યૂ આપ્યો હતો?
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ અને ન્યાયાધીશ પીએસ નરસિમ્હાની બેંચે આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી, મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે જજોએ કોર્ટમાં પેન્ડિંગ કેસો પર ઇન્ટરવ્યૂ આપવાનો કોઇ જ અધિકાર નથી. સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું હતું કે ટીએમસી નેતા અભિષેક બેનર્જીએ ન્યાયાધીશ અભિજીત ગંગોપાધ્યાયે ટીવી પર ઇન્ટરવ્યૂના અનુવાદની કોપી પણ કોર્ટને સોપી છે. જે મુદ્દે ખરાઇ કરવા માટે સુપ્રીમ કોર્ટે કલકત્તા હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પાસેથી જવાબ માગ્યો છે. અને ગુરૂવાર સુધીમાં જવાબ આપવા માટે કહ્યું છે.
આ સાથે જ સુપ્રીમ કોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે આ સમગ્ર મામલાની અસર ઇડી અને સીબીઆઇ દ્વારા જોબ સ્કેમ અંગે જે તપાસ કરવામાં આવી રહી છે તેના પર નહીં થાય. અભિષેક બેનર્જી વતી વકીલ અભિષેક મનુ સિંઘવીએ ન્યાયાધીશ ગંગોપાધ્યાયના ઇન્ટરવ્યૂને રજુ કર્યો હતો.
જેમાં દાવો કરાયો છે કે ન્યાયાધીશ ટીએમસી સાંસદ સામે પણ બોલી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઇ કોર્ટણાં કોઇ મામલો પેન્ડિંગ હોય તો તેવા મામલા અંગે ઇન્ટરવ્યૂ આપવાનો જજોને કોઇ જ અધિકાર નથી.










