
તા.૧૬ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ભગવાનશ્રી કૃષ્ણ અને મહાત્મા ગાંધીજીની ભૂમિ પર સૌરાષ્ટ્રીયન તમિલ મહેમાનોનું સ્વાગત છે: મેયર શ્રી પ્રદીપ ડવ
સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તમિલનાડુથી સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ-મદુરાઇના પ્રતિનિધિઓ આજે હવાઈમાર્ગે રાજકોટ પધાર્યા હતા. અહીં તેઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. કમલેશ જોશીપુરા, પૂર્વ મેયર ડૉ. ભાવના જોશીપુરા, પૂર્વ પ્રો.વી.સી. કલ્પક ત્રિવેદી, રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ઉમેશ રાજ્યગુરુ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરીશ્રી નૌતમ બારસિયા તેમજ અન્ય ડાયરેક્ટરો, વરીષ્ઠ ધારાશાસ્ત્રીશ્રી ગીરીશ ભટ્ટ, શ્રી પ્રશાંતભાઈ જોશી, રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના હોદ્દેદારો શ્રી રાજેન્દ્રભાઈ દવે, શ્રી સંજયભાઈ પંડ્યા, શ્રી આનંદભાઈ ચૌહાણ, વરિષ્ઠ વ્યાપારી અગ્રણી શ્રી લલીતભાઈ પટેલ, શ્રી બાલાભાઈ પોપટ વગેરે તમામ મહેમાનોને સહૃદય આવકાર્યા હતા.

આ તકે અનૌપચારિક મિલન સમારોહ પણ યોજાયો હતો. જેમાં રાજકોટની ટીમ વતી ડૉ. કમલેશ જોશીપુરાએ સ્વાગત પ્રવચન કરતા કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર તમિલ સંગમમથી બંને રાજ્યો વચ્ચેના સંબંધો વધુ ઘનિષ્ઠ બનશે. સમગ્ર રાજકોટ વતી સૌરાષ્ટ્રીયન તમિલ મહેમાનોને આવકારતા મેયરશ્રી પ્રદીપભાઈ ડવએ કહ્યું હતું કે, ભગવાનશ્રી કૃષ્ણ અને ગાંધીજીની ભૂમિ પર આપનું સ્વાગત છે. સૌરાષ્ટ્ર અને તમિલનાડુનો સંબધ ખૂબ જૂનો છે ત્યારે આપના જ રાજ્ય અને ભૂમિ પર આપ સૌને આવકારીએ છીએ.

આ અવસરે તમિલ મહેમાનોએ પોતાના પ્રાંતની પરંપરાગત શાલ ઓઢાડીને મેયરશ્રી તેમજ અન્ય મહાનુભાવોનું સન્માન કર્યું હતું. મદુરાઈની સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ તથા અગ્રણી બિઝનેસમેનશ્રી પ્રભાકરનજીએ પોતાની ટીમનો પરિચય આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર સાથે તમિલનાડુનો સંબંધ ગર્ભનાળ જેવો મજબૂત છે. તમિલનાડુમાં વસતા સૌરાષ્ટ્રના લોકોના જીન્સ આ ભૂમિ સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમમને આટલા વિશાળ પાયા પર લઈ જવા બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરીશ્રી નૌતમ બારસિયાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં બંને ચેમ્બર ઓફ કોમર્સ વ્યાપાર-ઉદ્યોગના વિસ્તરણ માટે સાથે મળીને કામ કરશે. આ સાથે લાંબા ગાળાના વ્યાવસાયિક સંબધોની આશા તેમણે વ્યક્ત કરી હતી.
આ મિલન સમારોહ દરમિયાન રાજકોટ અને સવિશેષ રીતે સૌરાષ્ટ્ર, ગુજરાત તેમજ તમિલનાડુ વચ્ચે વ્યાપાર અને ઔદ્યોગિક ક્ષેત્રે આદાનપ્રદાન તેમજ સંયુક્ત વ્યાપારની તકો વિશે ચર્ચા કરવામાં આવી હતી.
તમિલ મહેમાનોના પ્રતિનિધિ મંડળમાં મદુરાઈના ગાંધી તરીકે સમગ્ર તમિલનાડુમાં સુવિખ્યાત શ્રી એન.એમ.આર. ગાંધી પરિવારના સદસ્ય પણ ખાસ જોડાયા હતા. તેમજ મદુરાઈ નગરપાલિકા તેમજ કોર્પોરેશનમાં વર્ષો સુધી અધ્યક્ષ-મેયર રહેલા તુલસીરામનજી પરિવારના સભ્ય પણ સામેલ થયા હતા. સમારોહના અંતે તકે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ મદુરાઈના વાઇસ પ્રેસિડેન્ટશ્રી દિનેશે ભવ્ય અને લાગણીશીલ સ્વાગત બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.








