
તા.૧૫ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ શહેરમાં યુનિયન પબ્લીક સર્વિસ કમિશન (યુ.પી.એસ.સી.) દ્વારા તા. ૧૬/૦૪/૨૦૨૩ નાં રોજ નેશનલ ડીફેન્સ એકેડેમી, નેવેલ એકેડેમી પરીક્ષા તથા કમ્બાઇન્ડ સર્વિસની લેખિત પરીક્ષા શહેરની અલગ-અલગ શાળા-કોલેજોમાં કુલ-૦૪ કેન્દ્રો ખાતે લેવાનાર છે. આ પરીક્ષાઓ પરીક્ષાર્થીઓ કોઇપણ જાતની ખલેલ વિના શાંત વાતાવરણમાં આપી શકે, તે હેતુસર શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામાં મુજબ રાજકોટ શહેરમાં પરીક્ષા કેન્દ્રોના કંપાઉન્ડની ચારે બાજુની ત્રિજયાના ૧૦૦ મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યકિતઓ તેમજ ચાર કે તેથી વધારે વ્યકિતઓ એકત્રીત થઈ શકશે નહીં. પરીક્ષા કેન્દ્રોની આજુબાજુની ૧૦૦ મીટરની ત્રીજયામાં સ્ટેશનર્સ, વેપારીઓ, સંચાલકોને ઝેરોક્ષ મશીન ચાલુ રાખવાની મનાઈ કરી છે. શાળાઓની ૧૦૦ મીટરની ત્રીજયામાં કોઇ વ્યકિત વાહનો લાવશે નહી કે શાળાઓમાં વાહનો લઈ જઈ શકશે નહીં. પરીક્ષાર્થીઓએ પ્રશ્નપત્રને લગતુ સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ, મોબાઇલ ફોન જેવા ઇલેકટ્રોનીક સાધનો તેમજ પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઇ જઈ શકાશે નહીં તેમજ સુપરવાઇઝરોએ પણ પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન લઇ જવાના રહેશે નહીં.
આ ઉપરાંત, પરીક્ષા કેન્દ્રોના સ્થળ સંચાલક, સુપરવાઇઝર (ખંડ નિરીક્ષકો), સરકારી પ્રતિનિધિ અને વર્ગ-૪ના કર્મચારીઓએ ચોકસાઇપુર્વકનું ઓળખકાર્ડ સાથે રાખવાનુ રહેશે અને સબંધિતોએ ઓળખકાર્ડ પહેરવાનુ રહેશે. ઓળખકાર્ડ સિવાયની કોઇપણ વ્યકિત પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ કરી શકશે નહીં. આ જાહેરનામુ તા.૧૬/૦૪/૨૦૨૩ ના રોજ સવારે ૭.૦૦થી સાંજે ૬.૦૦ કલાક સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.